પાકિસ્તાનમાં આ સમયે રાજનીતિક અસ્થિરતા છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર પડી ગઈ છે. જે બાદ પાકિસ્તાનમાં હવે ઘણા મોટા બદલાવ થઈ શકે છે. દેશમાં થનારા બદલાવની આશંકા વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના માળખામાં અને પાકિસ્તાન ક્રિકેટમાં પણ મોટા ફેરફાર થઈ શકે છે.


ખુરશી છોડી શકે છે રમીઝ રાજાઃ
Geoના એક અહેવાલ પ્રમાણે ઈમરાન ખાનની સરકાર ગયા બાદ હવે પાકિસ્તાન ક્રિકેટના પ્રમુખ રમીઝ રાજા પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. અત્યારે રમીઝ રાજા આઈસીસીની મિટિંગ માટે દુબઈ ગયેલા છે. આ મિટિંમાં રમીઝ ચાર દેશોની સુપર સીરીઝનો પ્રસ્તાવ મુકશે. આ સીરીઝ ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ શકે છે.


BCCIને શું કહ્યુંઃ
ભારતની સાથે ક્રિકેટને લઈને રમીઝ રાજાએ બીસીસીઆઈ ઉપર પણ પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, "અમે બીસીસીઆઈ સામે આ સીરીઝનો પ્રસ્તાવ મુક્યો છે. તેઓ (બીસીસીઆઈ) આ સીરીઝ માટે પોતાના દેશની સરકાર સાથે વાત કરશે. અમારી ઉપર પણ આ જ દબાવ છે પરંતુ તેમ છતાં અમે સીરીઝને લઈને વાત કરી રહ્યા છીએ."


પાકિસ્તાનમાં રાજનીતિક અસ્થિરતાઃ
પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાનની સત્તા ગયા બાદ પાકિસ્તાનમાં રાજકારણ ગરમાયું છે. આ સિવાય ઈમરાન ખાને પોતાના નિવાસસ્થાને  કોર કમિટીની બેઠક પણ બોલાવી હતી. પીટીઆઈ તરફથી શાહ મહમૂદ કુરૈશીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર માટે પસંદ કરવામાં આવ્યા હતા. બીજી તરફ વિપક્ષી પાર્ટીઓના સંયુક્ત ઉમેદવાર તરીકે શાહબાજ શરીફે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર નેશનલ એસેંબલીમાં દાખલ કર્યું છે.


Imran Khan Loses No Trust Vote: પાકિસ્તાનમાં  ચાલી રહેલા રાજકીય અસ્થિરતા વચ્ચે ઇમરાન  ખાનની સરકાર પડી ગઇ છે.  પાકિસ્તાની સંસદમાં ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનમાં તેમની સરકારની હાર થઇ હતી. 174 મત ઇમરાન ખાન વિરોધમાં પડ્યા હતા. મતદાનમાં ઇમરાન ખાનની પાર્ટીના સાંસદોએ બહિષ્કાર કર્યો.


નોંધનીય છે કે પાકિસ્તાનના ચીફ જસ્ટીસે રાત્રે 12 વાગ્યે સુપ્રીમ કોર્ટના દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો હતો કારણ કે નેશનલ અસેમ્બલીના અધ્યક્ષ અસદ કૈસરે વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવાની મંજૂરી આપી નહોતી. એવામાં કોર્ટના આદેશ બાદ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન અડધી રાત્રે કરવામાં આવ્યું હતું. હવે જ્યારે ઇમરાન ખાનની સરકાર પડી ગઇ છે એવામાં પાકિસ્તાનના આગામી વડાપ્રધાન શાહબાઝ શરીફ હોઇ શકે છે. વિપક્ષે વડાપ્રધાન પદ માટે શાહબાઝ શરીફને સમર્થન આપ્યું છે.