મેલબોર્નઃ ગઇકાલે રમાયેલી બુશફાયર બેશની મેચની મેચમાં બ્રાયન લારા (રિટાયર્ડ આઉટ 30 રન) અને કેપ્ટન રિકી પૉન્ટિંગ (રિટાયર્ડ આઉટ 26) બાદ બ્રેટ લી (11-2)ની શાનદાર બૉલિગની દામ પર પૉન્ટિંગ ઇલેવને ગિલક્રિસ્ટ ઇલેવનને 1 રનથી હરાવી દીધી. આ મેચનુ આયોજન ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગથી પ્રભાવિત લોકોની મદદ કરવા માટે કરવામાં આવ્યુ હતુ.


બુશફાયર બેશ મેચમાં દુનિયાભરમાં દિગ્ગજ ક્રિકેટરોએ અભિયાનને પોતાનુ સમર્થન આપ્યુ હતુ, અને વર્ષો બાદ મેદાન પર ઉતર્યા હતા.



10 ઓવરની આ મેચમાં ગિલક્રિસ્ટ ઇલેવને ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પૉન્ટિંગ ઇલેવને પાંચ વિકેટ ગુમાવીને 104 રન બનાવ્યા હતા. પૉન્ટિંગે 14 બૉલ પર ચાર ચોગ્ગા સાથે 26 રન જ્યારે લારાએ 11 બૉલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 30 રન બનાવ્યા હતા.



જવાબમાં ગિલક્રિસ્ટ ઇલેવન 6 વિકેટ ગુમાવીને 103 રન જ બનાવી શકી હતી. આમાં કેપ્ટન અને વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટના 17, શેન વૉટસનના 30 રન અને એન્ડ્ર્યૂ સાયમન્ડ્સના 29 રન સામેલ છે.