Indian Cricket Team: 29 જૂને દક્ષિણ આફ્રિકાને હરાવીને 17 વર્ષ પછી T20 વર્લ્ડ કપ જીતનાર રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ તોફાનના કારણે બાર્બાડોસમાં ફસાઈ ગઈ હતી. ટીમ ગુરુવારે (4 જૂન) ચાર્ટર ફ્લાઇટ દ્વારા નવી દિલ્હી પહોંચશે. આ પછી ખેલાડીઓ અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. એર ઈન્ડિયાની AIC24WC (એર ઈન્ડિયા ચેમ્પિયન્સ 24 વર્લ્ડ કપ) નામની વિશેષ ચાર્ટર ફ્લાઈટ ભારતીય ટીમ, તેના સપોર્ટ સ્ટાફ, ખેલાડીઓના પરિવારો, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના કેટલાક અધિકારીઓ અને ભારતીય મીડિયાને પરત લાવવામાં આવી રહ્યા છે.
ટીમ ઈન્ડિયા રવિવારે ભારત જવા રવાના થવાની હતી પરંતુ તોફાન બેરીલને કારણે તેમને ત્યાં જ રોકાવું પડ્યું. બાર્બાડોસમાં વાવાઝોડાના ભયથી સરકારને એરપોર્ટ બંધ કરવાની ફરજ પડી હતી અને તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આ પહેલા ખબર આવી હતી કે ટીમ ઈન્ડિયા બુધવારે સ્વદેશ પરત ફરશે. જો કે હવે આખરે ભારતીય ખેલાડીઓ ફ્લાઈટમાં બેસી ગયા છે અને તેમના દેશ પરત જવાનો પ્રવાસ શરૂ થઈ ગયો છે. ખેલાડીઓ ગુરુવારે સવારે દિલ્હી પહોંચે તેવી શક્યતા છે.
ટીમ ઈન્ડિયાને લેવા માટે ચાર્ટર ફ્લાઈટ પહોંચી
ભારતીય ઓલરાઉન્ડર શિવમ દુબેએ પણ ફ્લાઈટની અંદરની એક તસવીર શેર કરી છે, જેમાં તે ટ્રોફી સાથે જોવા મળી રહ્યો છે. તેના કેપ્શનમાં દુબેએ લખ્યું- હું કંઈક ખાસ લઈને દેશમાં પરત ફરી રહ્યો છું. ભારતીય ટીમે તેના 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો. 17 વર્ષ બાદ ટી20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો.
ફ્લાઇટ ક્યારે ભારત પહોંચશે?
ભારતીય ટીમે શનિવારે ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે સાત રનથી રોમાંચક જીત મેળવીને ટાઇટલ જીત્યું હતું. ચાર્ટર ફ્લાઇટ 2 જુલાઈના રોજ ન્યૂજર્સીથી રવાના થઈ હતી અને સ્થાનિક સમય (બાર્બાડોસ) મોડી રાત્રે બાર્બાડોસ પહોંચી હતી. શિડ્યૂલ મુજબ, ફ્લાઇટ બાર્બાડોસથી 3 જૂલાઈના રોજ સ્થાનિક સમય અનુસાર સવારે 4:30 વાગ્યે એટલે કે આજે ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે ઉપડી હતી. દિલ્હી પહોંચવામાં 16 કલાક લાગશે. એટલે કે વિશ્વ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા ગુરુવારે ભારતીય સમય અનુસાર સવારે 6 વાગ્યે દિલ્હીમાં ઉતરશે.