લંડનઃ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે અમેરિકામાં પોલીસ કસ્ટડીમાં અશ્વેત વ્યક્તિના મોત બાદ વંશીય ટિપ્પણીનો શિકાર બનેલા લોકોને વાત કરવાનો આગ્રહ કર્યો છે. 46 વર્ષીય જ્યોર્જ ફ્લોઇડના મોત બાદ અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં આક્રોશ ફેલાયો હતો. અમેરિકામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઘણા શહેરોમાં કર્ફ્યુ નાંખવામાં આવ્યો હતો.


હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, ઈંગ્લેન્ડના ક્રિકેટર જોફ્રા આર્ચરે ડેઇલી મેલમાં લખેલા આર્ટિકલમાં કહ્યું, મને ખુશી છે કે બ્લેક લાઇવ્સ મેટર કેમ્પેન આ રીતે શરૂ થયું છે. એક વ્યક્તિ તરીકે હું હંમેશા બોલવાના સમર્થનમાં રહ્યો છું. ખાસ કરીને જ્યારે કોઈ તમને પરેશાન કરતા હોય. મારું વ્યક્તિગત માનવું છે કે તમારે ક્યારેય ચીજોને ઢાંકીને ન રાખવી જોઈએ કારણકે વંશીય ટિપ્પણી ઠીક નથી.

જોફ્રા આર્ચર ખુદ ન્યૂઝીલેન્ડ સામે ગત વર્ષે નવેમ્બરમાં વંશીય ટિપ્પણીનો શિકાર બન્યો હતો. જે બાદ ફેનને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે બેન કરી દીધો હતો. ઈંગ્લેન્ડની ટીમ તરફથી અત્યાર સુધીમાં 7 ટેસ્ટ અને 14 વન ડે ઈન્ટરનેશનલ મેચ રમી ચુકેલા જોફ્રા આર્ચરે તેની ટીમની વિવિધતા માટે પ્રશંસા કરી છે. તેણે કહ્યું, મારી એક તસવીર હતી જેમાં જોસ બટલર અને આદિલ રાશિદ 2019 વર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન જશ્ન મનાવતાં જોવા મળી રહ્યા ચે. આ તસવીરે અમારી ટીમ અંગે તમને બધું જ જણાવી દીધું હશે.

ઈંગ્લેન્ડની ટીમમાં અનેક દેશોના ખેલાડી રમતા આવ્યા છે પરંતુ તેમણે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની શરતો પર ખરા ઉતરવાનું હોય છે. જોફ્રા આર્ચરે  7 ટેસ્ટમાં 30, 14 વન ડેમાં 23 અને 1 ટી-20માં  2 વિકેટ ઝડપી છે. આઈપીએલની 21 મેચમાં તેણે 26 વિકેટ લીધી છે.