rahmanullah gurbaz fastest odi century: ધર્મશાલામાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી પ્રથમ વનડે મેચમાં અફઘાનિસ્તાનના યુવા વિકેટકીપર-બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝે ઇતિહાસ રચી દીધો છે. તેણે 200 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા માત્ર 48 બોલમાં જ પોતાની સદી પૂરી કરી લીધી. 102 રનની આ તોફાની ઇનિંગ સાથે તે અફઘાનિસ્તાન માટે વનડેમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ વિસ્ફોટક ઇનિંગ દરમિયાન તેણે વિરાટ કોહલી સહિતના ઘણા દિગ્ગજોના રેકોર્ડ તોડીને વિશ્વ ક્રિકેટમાં પોતાનો ડંકો વગાડી દીધો છે.

Continues below advertisement

ખરાબ શરૂઆત બાદ ગુરબાઝે સંભાળ્યો મોરચો

મેચની વાત કરીએ તો, ધર્મશાલામાં રમાયેલી આ પ્રથમ વનડેમાં અફઘાનિસ્તાન ટોસ હારી ગયું હતું અને તેને પહેલા બેટિંગ કરવા ઉતરવું પડ્યું. તેમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. માત્ર 26 રનના સ્કોર પર જ ટીમે 3 મોટી વિકેટ ગુમાવી દીધી હતી. બીજી જ ઓવરમાં ડેબ્યૂ કરી રહેલા ભારતીય બોલર ગુર્નૂર બ્રારે ઇબ્રાહિમ ઝદરાન (1) ને આઉટ કરી પોતાની પહેલી ઇન્ટરનેશનલ વિકેટ ઝડપી. ત્યારબાદ સેદીકુલ્લાહ અટલ શૂન્ય (0) પર અને ચોથા નંબરે આવેલ રહેમત શાહ પણ માત્ર 3 રન બનાવી પેવેલિયન ભેગા થઈ ગયા.

Continues below advertisement

આવી મુશ્કેલ સ્થિતિમાં ગુરબાઝે કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી સાથે મળીને બાજી સંભાળી અને ભારતીય બોલરો પર વળતો પ્રહાર કર્યો. બંનેએ ચોથી વિકેટ માટે 116 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી.

છગ્ગા-ચોગ્ગાનો વરસાદ અને રેકોર્ડ્સની વણઝાર

શનિવાર, 13 જૂનના રોજ રમાયેલી આ મેચમાં 24 વર્ષીય ગુરબાઝે ભારતીય બોલરોની બરાબરની ધોલાઈ કરી. તેણે 51 બોલમાં 8 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગાની મદદથી 102 રન બનાવ્યા. 15.3 ઓવરમાં જ્યારે તે આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 142 રન સુધી પહોંચી ગયો હતો. ગુરબાઝની આ ઇનિંગે ઘણા ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા:

અફઘાનિસ્તાન માટે સૌથી ઝડપી સદી: માત્ર 48 બોલમાં સદી પૂરી કરીને તેણે મોહમ્મદ શહઝાદનો વર્ષ 2010 નો રેકોર્ડ (72 બોલ) તોડી નાખ્યો છે.

ભારત સામે બીજી સૌથી ઝડપી સદી: વનડેમાં ભારત સામે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પાકિસ્તાનના શાહિદ આફ્રિદી (45 બોલ, કાનપુર 2005) ના નામે છે. ગુરબાઝ 48 બોલ સાથે આ લિસ્ટમાં બીજા નંબરે આવી ગયો છે.

આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન વનડે શ્રેણીમાંથી બહાર, ટીમમાં જગ્યા મેળવવા માટે આ બે ઓલરાઉન્ડર વચ્ચે ટક્કર

દેશ માટે સૌથી વધુ સદી: વનડે ક્રિકેટમાં ગુરબાઝની આ 9મી સદી છે, જે કોઈપણ અફઘાન બેટ્સમેન કરતા સૌથી વધુ છે. ઇબ્રાહિમ ઝદરાન અને શહઝાદ 6-6 સદી સાથે પાછળ છે.

દિગ્ગજોને પાછળ છોડ્યા: કન્વર્ઝન રેટ (અડધી સદીને સદીમાં ફેરવવાની ટકાવારી) ની વાત આવે તો, ગુરબાઝ 56.25 ટકા સાથે સૌથી આગળ નીકળી ગયો છે. તેણે આ મામલામાં ડેરિલ મિશેલ (42.86%), ક્વિન્ટન ડી કોક (41.82%) અને વિરાટ કોહલી (41.22%) જેવા દિગ્ગજોને પણ પાછળ રાખી દીધા છે.

ઓવરઓલ વિશ્વ ક્રિકેટમાં સૌથી ઝડપી વનડે સદીની યાદીમાં ગુરબાઝ હવે 14મા નંબરે પહોંચી ગયો છે (આ યાદીમાં પ્રથમ ક્રમે એબી ડી વિલિયર્સ છે જેણે 2015 માં 31 બોલમાં સદી ફટકારી હતી). 24 વર્ષની નાની ઉંમરે ગુરબાઝે જે રીતે બેટિંગ કરી છે, તે સાબિત કરે છે કે આવનારા વર્ષોમાં તે વિશ્વ ક્રિકેટ પર રાજ કરવા માટે એકદમ તૈયાર છે.

આ પણ વાંચોઃ ઓલિમ્પિક 2028 અંગે સૂર્યાનું કયું નિવેદન ગંભીરને ન ગમ્યું? કેપ્ટન પદેથી હટાવવાની ઇનસાઇડ સ્ટોરી