નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ ન્યૂઝિલેન્ડને પાંચ ટી-20 સીરિઝમાં 5-0થી વ્હાઇટવોશ કર્યું હતું. તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આઇસીસી ટી-20 ઇન્ટરનેશનલ રેન્કિંગમાં ભારતીય બેટ્સમેન લોકેશ રાહુલ, રોહિત શર્મા, અને જસપ્રીત બુમરાહને ફાયદો થયો છે. ટીમ ઇન્ડિયાના બેટ્સમેન લોકેશ રાહુલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી-20 રેન્કિંગમાં ટોચના 10 બેટ્સમેનોમાં સામેલ છે. લોકેશ રાહુલને ચાર ક્રમને ફાયદો થયો છે અને તે બીજા ક્રમ પર પહોંચી ગયો છે. તે સિવાય રોહિત શર્માને ત્રણ ક્રમનો ફાયદો થયો છે અને તે ટોચના 10 બેટ્સમેનોમાં સામેલ થયો છે. ઉપરાંત વિરાટ કોહલી નવમા ક્રમ પર યથાવત છે.
પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ ટી-20 ફોર્મેટમાં આઇસીસી રેન્કિંગમાં પ્રથમ સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિંચ ત્રણ ક્રમાંક નીચે પહોંચી ગયો છે. જ્યારે ઇગ્લેન્ડના ડેવિડ મિલાન પાંચમા અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેમ મેક્સવેલ છઠ્ઠા ક્રમ પર પહોંચી ગયા છે.
ન્યૂઝિલેન્ડનો કોલિન મુનરો ચોથા, વેસ્ટ ઇન્ડિઝનો એવિન લુઇસ સાતમા અને અફઘાનિસ્તાનનો હઝરતુલ્લાહ જજઇ આઠમા ક્રમ પર પહોંચી ગયા છે. બોલરોની વાત કરીએ તો જસપ્રીત બુમરાહને 26 ક્રમનો ફાયદો થયો છે અને તે 11મા નંબર પર પહોંચી ગયો છે. ટોચના 10 બોલરોમાં એક પણ ભારતીય સામેલ નથી.