લંડનઃ ઈંગ્લેન્ડ સામે લોર્ડઝના મેદાન પર ગુરૂવારથી શરૂ થયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલે સદી ફટકારી હતી. રાહુલે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝની બીજી મેચમાં લૉર્ડ્સના ઐતિહાસિક મેદાન પર સદી ફટકારીને પોતાનું ડ્રીમ પૂરૂં કર્યું છે. સચિન તેંડુલકર, સુનિલ ગાવસકર અને વિરાટ કોહલી જેવા મહાન ક્રિકેટરો લોર્ડઝ પર સદી ફટકારી શક્યા નથી ત્યારે રાહુલે એ પરાક્રમ કરી બતાવ્યું છે. રાહુલની કરિયરની આ છઠ્ઠી સદી છે. 


રાહુલ લૉર્ડ્સ ખાતે સદી ફટકારનારા 10મા ભારતીય બેટ્સમેન છે. દિલીપ વેંગ્સરકર લોર્ડ્ઝ પર ત્રણ સદી ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. રાહુલે આ સદી સાથે લંડનનાં બંને મેદાન પર સદી ફટકારવાની સિધ્ધી પણ મેળવી છે.  કે. એલ. રાહુલ હવે રવિ શાસ્ત્રી અને રાહુલ દ્રવિડ બાદ ઓવલ અને લૉર્ડ્સ એમ  લંડનના બંને મેદાન પર ટેસ્ટમાં 100 રન બનાવીને સદી ફટકારનારો ત્રીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે.


રાહુલની સદી સાથે લૉર્ડ્સ ખાતે 7 વર્ષ બાદ કોઈ ભારતીય બેટ્સમેને સદી ફટકારી છે. 2014માં અજિંક્ય રહાણેએ યજમાન ઈંગ્લેન્ડ સામે સદી ફટકારી હતી. રાહુલે લૉર્ડ્સ ખાતે  ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં પોતાની બીજી સદી 212 બોલમાં પૂરી કરી હતી. રાહુલ ઈંગ્લેન્ડના પેસ બોલિંગ એટેક સામે શરૂઆતથી જ સારું રમ્યો હતો. જેમ્સ એન્ડરસન અને ઓલી રૉબિન્સન જેવા બોલર્સનો સામનો કરવામાં તેને કોઈ મુશ્કેલી નહોતી પડી.


રાહુલ આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના 2021-23ના રાઉન્ડમાં  સદી ફટકારનારો પહેલો બેટ્સમેન બની ગયો છે. ઈંગ્લેન્ડે ટૉસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો પણ રોહિત શર્મા અને કે.એલ. રાહુલે ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત અપાવી હતી. ભારતે પ્રથમ દિવસની રમતના અંતે 3 વિકેટે 276 રન કર્યા છે. રોહિત શર્મા 83 રન કરીને, ચેતેશ્વર પૂજારા 9 રને અને કેપ્ટન વિરાટ કોહલી 42 રન કરીને આઉટ થયા હતા. રાહુલ 127 રને અને અકિંજ્ય રહાણે 1 રને રમતમાં છે. ઈંગ્લેન્ડ વતી જેમ્સ એન્ડરસને 2 અને ઓલી રોબિન્સને 1 વિકેટ લીધી હતી.