RCB vs RR: IPL 2024 ની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(royal challengers bengaluru)ને 4 વિકેટે હરાવ્યું છે. આ સાથે રાજસ્થાને ક્વોલિફાયર 2 મેચમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, જ્યાં સંજુ સેમસનની સેના સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે ટકરાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલા રમતા RCBએ 172 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 33 રન બનાવ્યા, છેલ્લી ઓવરોમાં મહિપાલ લોમરોરે 17 બોલમાં 32 રન ફટકારીને બેંગલુરુને આ સ્કોર સુધી પહોંચાડ્યું. રાજસ્થાન જ્યારે ટાર્ગેટનો પીછો કરવા ઉતર્યો ત્યારે ટીમને મક્કમ શરૂઆત મળી હતી, પરંતુ વચ્ચેની ઓવરોમાં રન રેટ ધીમો થવાને કારણે મેચ રોમાંચક થઈ ગઈ હતી. રિયાન પરાગ, શિમરોન હેટમાયર અને રોવમેન પોવેલની મહત્વની ઈનિંગ્સે રાજસ્થાન રોયલ્સને આગળના તબક્કામાં પહોંચાડી દીધું.


 






173 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓએ 5 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 45 રન બનાવી લીધા હતા. પરંતુ છઠ્ઠી ઓવરમાં ટોમ કોહલર કેડમોર 15 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન સ્વપ્નિલ સિંહની એક ઓવરમાં 17 રન આવ્યા, પરંતુ તે પછી આરસીબીના બોલરોએ રન રેટને ઘણી હદ સુધી કાબૂમાં રાખ્યો હતો. કર્ણ શર્માએ 11મી ઓવરના પહેલા જ બોલ પર કેપ્ટન સંજુ સેમસનને સ્ટમ્પ કરીને રાજસ્થાનને મોટો ઝટકો આપ્યો હતો. સેમસને 13 બોલમાં 17 રન બનાવ્યા હતા. 


જ્યારે ધ્રુવ જુરેલ અને રિયાન પરાગ વચ્ચેની ભાગીદારી ખીલી રહી હોય તેવું લાગી રહ્યું હતું ત્યારે 14મી ઓવરમાં વિરાટ કોહલીની ચપળતા સામે ધ્રુવ જુરેલ રનઆઉટ થયો હતો. 15 ઓવર સુધી, આરઆરએ 4 વિકેટના નુકસાન પર 126 રન બનાવ્યા હતા અને ટીમને જીતવા માટે હજુ 5 ઓવરમાં 47 રન બનાવવાના હતા. આગલી 2 ઓવરમાં 28 રન બનાવ્યા હતા, જેના કારણે આરઆરને 3 ઓવરમાં માત્ર 19 રનની જરૂર હતી. શિમરોન હેટમાયર 18મી ઓવરના છેલ્લા બોલ પર 26 રન બનાવીને આઉટ થયો હતો. મેચ ફરી રોમાંચક બનશે તેમ લાગતપં હતું પરંતુ રોવમેન પોવેલે લોકી ફર્ગ્યુસનની ઓવરમાં 14 રન બનાવ્યા અને 6 બોલ બાકી રહેતા RRનો 4 વિકેટે વિજય સુનિશ્ચિત કર્યો.


એલિમિનેટર મેચમાં બનેલા રેકોર્ડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની એલિમિનેટર મેચમાં વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં 8000 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે પોતાની 252મી મેચમાં આ સિદ્ધિ મેળવી છે. RR ખેલાડી રોવમેન પોવેલ હવે પ્લેઓફ મેચ દરમિયાન સૌથી વધુ કેચ ઝડપનાર ખેલાડી બની ગયો છે. તેણે આરસીબી સામેની મેચમાં 4 કેચ પકડ્યા હતા. તેના પહેલા 6 અલગ-અલગ ખેલાડીઓએ પ્લેઓફ મેચમાં 3 કેચ પકડ્યા હતા. રિયાન પરાગ હવે એવા બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે જેમણે આઈપીએલની એક પણ સિઝનમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા વિના 500 રનનો આંકડો સ્પર્શ કર્યો છે.