Sourav Ganguly biopic: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની બાયોપિક માટે ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ બાયોપિક માટે હૃતિક રોશનથી લઈને સિદ્ધાર્થ મલ્હોત્રા સુધીના નામ સામે આવ્યા હતા, પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે 'તુ જૂઠી મેં મક્કર'ના એક્ટર રણબીર કપૂરના નામ પર મહોર લાગી ગઈ છે. ફિલ્મનું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થશે. જોકે, મેકર્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


રણબીર કપૂરના નામની મહોર!


એક અહેવાલ મુજબ સૌરવ ગાંગુલીની બાયોપિક માટે રણબીર કપૂરનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. તેનું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બાયોપિકનું શૂટિંગ શરૂ કરતા પહેલા રણબીર કોલકાતા જશે. જ્યાં તે ઈડન ગાર્ડન, CAB ઓફિસ અને દાદા (સૌરવ ગાંગુલી)ના ઘરની પણ મુલાકાત લેશે. તે પછી જ તે શૂટિંગ શરૂ કરશે. પરંતુ હજુ સુધી આ સમાચારની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.






આ ફિલ્મમાં ધોની પણ ભૂમિકા ભજવશે


એવું કહેવામાં આવી રહ્યું છે કે એમએસ ધોનીના ચાહકો સૌરવ ગાંગુલીની બાયોપિકનો આનંદ માણી શકશે, કારણ કે તેમાં ધોનીનું પાત્ર પણ હશે. જો કે આ પાત્ર કોણ ભજવશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ આ બાબત ચોક્કસપણે ચાહકોને ઉત્તેજિત કરશે. તાજેતરના અહેવાલો અનુસાર રણબીર કપૂર સિવાય ફિલ્મની બાકીની સ્ટાર કાસ્ટ હજુ સુધી ફાઇનલ કરવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે 'તુ જૂઠી મેં મક્કર'ના પ્રમોશનથી મુક્ત થયા બાદ રણબીર આ પ્રોજેક્ટ સાથે જોડાશે.


સૌરવના અંગત જીવન પર પણ ફોકસ કરવામાં આવશે


મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ સૌરવના અંગત જીવન પર પણ ફોકસ કરશે. તમને જણાવી દઈએ કે 1983 બાદ ગાંગુલી ભારતીય ક્રિકેટ ટીમને 2003માં ICC ODI વર્લ્ડ કપની ફાઇનલમાં લઈ ગયો હતો, જો કે તે સમયે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં દાદા પોતાની નવી ટીમ બનાવવામાં સફળ રહ્યા હતા. સૌરવની ગણના સર્વશ્રેષ્ઠ ભારતીય કેપ્ટનોમાં થાય છે અને કહેવાય છે કે તેણે ટીમમાં નવા અને યુવા ખેલાડીઓને તક આપી હતી, જેમાં વીરેન્દ્ર સેહવાગ, મોહમ્મદ કૈફ, યુવરાજ સિંહ, હરભજન સિંહ અને ઈરફાન પઠાણ જેવા ખેલાડીઓ સામેલ હતા.