Ranji Trophy 2023: ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર સામે આવ્યા છે, છેલ્લા પાંચ મહિનાથી ટીમથી ક્રિકેટથી દુર રહેલા ધાકડ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની શાનદાર વાપસી થઇ છે. તાજેતરમાં જ રમાયેલી રણજી ટ્રૉફીમાં રવિન્દ્ર જાડેજાએ તરખાટ મચાવતી બૉલિંગ કરીને ટીમ ઇન્ડિયામાં વાપસી કરવાના સંકેત આપ્યા છે. સૌરાષ્ટ્ર અને તામિલનાડુ વચ્ચે રમાયેલી મેચમાં રવિન્દ્ર જાડેજાએ તામિલનાડુ વિરુદ્ધ 7 વિકેટો ઝડપીને પોતાનો દમ બતાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજા છેલ્લા પાંચ મહિનાથી ઇજાના કારણે ટીમ ઇન્ડિયામાંથી બહાર હતો.


હાલમાં ચાલી રહેલી રણજી ટ્રૉફીમાં રવિન્દ્ર જાડેજા એ સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમનો કેપ્ટન છે, અને તામિલનાડુ સામે રમાયેલી મેચની બીજી ઈનીંગમાં 7 વિકેટ ઝડપીને તરખાટ મચાવી દીધો હતો. જાડેજાના કમાલના પ્રદર્શન સામે હરીફ ટીમ માત્ર 133 રનના સ્કોર પર જ સમેટાઈ ગઈ હતી. જોકે રવિન્દ્ર જાડેજાની વાપસીને લઇને ટીમ ઇન્ડિયા ખુશ છે કેમ કે આગામી સમયમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે, અને આ પછી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાં પણ ટીમ ઇન્ડિયાએ દમ બતાવવાનો છે. 


26 જાન્યુઆરને ગુરુવારે મેચમાં, રવિન્દ્ર જાડેજાએ પોતાનો કમાલ બતાવ્યો, તામિલનાડુએ પ્રથમ ઈનીંગમાં 324 રન બનાવ્યા હતા. જાડેજાએ 7 વિકેટ ઝડપતા તામિલ ટીમ માત્ર 133 રન 36.1 ઓવરમાં નોંધાવીને સમેટાઈ ગઈ હતી. આ સિવાય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી.






મેચની હાઇલાઇટ્સ ડિટેલ્સ - 
તામિલનાડુએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. પ્રથમ ઈનીંગમાં ઈન્દ્રજીત, વિજય શંકર અને શાહરુખ ખાનની અડધી સદીની મદદથી 324 રન 142.4 ઓવરની રમત રમીને નોંધાવ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્રની ટીમે 192 રન નોંધાવ્યા હતા. આમ 132 રનની લીડ મેળવી હતી. બીજી ઈનીંગમાં 133 રન તામિલનાડુએ નોંધાવ્યા હતા. આમ સૌરાષ્ટ્રને 266 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ.


જાડેજાએ પ્રથમ ઈનીંગમાં માત્ર 15 રનની ઈનીંગ રમી હતી. તેની વિકેટ અપરાજીતે લેગ બિફોર આઉટ કર્યો હતો. ચિરાગ જાનીએ સૌથી વધુ 49 રન નોંધાવ્યા હતા. બીજી ઈનીંગમાં સૌરાષ્ટ્રે 3 રનના સ્કોર પર જ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. જય ગોહિલ 10 બોલ રમીને શૂન્ય રને પરત ફર્યો હતો. ચેતન સાકરીયા 1 રને અને હાર્વિક દેસાઈ 3 રન સાથે રમતમાં રહ્યા છે.