નવી દિલ્હીઃ રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઇતિહાસ રચાયો છે. બંગાળની ટીમે શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો છે. બંગાળની ટીમના પ્રથમથી નવમા સુધીના બેટ્સમેને 50 કે તેથી વધુ રન બનાવ્યા છે, જેમાં બે બેટ્સમેનોની સદી સામેલ છે.
બેંગ્લોરમાં રમાઈ રહેલી બંગાળ અને ઝારખંડ વચ્ચેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં આ ઈતિહાસ રચાયો હતો. બંગાળે અહીં 773ના સ્કોર પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. દરમિયાન સાત ખેલાડીઓ આઉટ થયા હતા. એટલે કે 9 બેટ્સમેન ક્રીઝ પર હાજર હતા અને બધાએ 50 કે તેથી વધુ રન બનાવ્યા હતા.
બંગાળ તરફથી સુદીપ કુમાર ઘરમીએ સૌથી વધુ 186 રનની ઇનિંગ રમી હતી, જ્યારે એ. મજુમદારે 117 રનની ઇનિંગ રમી હતી. આ બે સદી સિવાય બાકીના સાત બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. ફિફ્ટી ફટકારનારા ખેલાડીઓમાં પશ્ચિમ બંગાળ સરકારમાં રમત ગમત મંત્રી મનોજ તિવારીનો પણ સમાવેશ થાય છે, જેમણે 73 રનની ઇનિંગ રમી હતી.
બંગાળ ટીમનું સ્કોરકાર્ડ
- અભિષેક રમન - 61 રન
- અભિમન્યુ ઇશ્વરન - 65 રન
- સુદીપ કુમાર ઘરમી - 186 રન
- એ. મજમુદાર - 117 રન
- મનોજ તિવારી - 73 રન
- અભિષેક પોરેલ - 68 રન
- શાહબાઝ અહેમદ - 78 રન
- સાયન મંડલ - 53* રન
- આકાશ દીપ - 53* રન
બંગાળની ટીમ મોટા સ્કોર તરફ આગળ વધી રહી હતી ત્યારે આકાશ દીપે અંતમાં સારી બેટિંગ કરી હતી. તેણે માત્ર 18 બોલમાં 53 રન બનાવ્યા જેમાં 8 સિક્સ સામેલ હતી. આકાશ દીપે પણ રણજી ટ્રોફી મેચોમાં લગભગ 300ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.
આવું પહેલીવાર બન્યું છે
જ્યારે સાયન મંડલે બંગાળ માટે પોતાની અડધી સદી ફટકારી ત્યારે પ્રથમ વખત એવુ બન્યું હતું કે પ્રથમ 8 બેટ્સમેનોએ ઘરેલું મેચની પ્રથમ ઇનિંગમાં 50 કે તેથી વધુ રન બનાવ્યા. પરંતુ બંગાળે આનાથી પણ આગળ સિદ્ધિ હાંસલ કરી હતી. નવમા બેટ્સમેન એટલે કે આકાશદીપે પણ ફિફ્ટી ફટકારી હતી. પ્રથમ વખત એવું બન્યું છે કે ટોપ-9 બેટ્સમેનોએ ફર્સ્ટ ક્લાસ ઇનિંગ્સમાં 50+ સ્કોર બનાવ્યો હોય.
વર્ષ 1893માં જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે હતી ત્યારે ટીમના 8 બેટ્સમેનોએ ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી સામે 50+ રન બનાવ્યા હતા. પરંતુ તે સમયે તે ટોપ-8 બેટ્સમેન નહોતો.