Ranji Trophy Double Century News: રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ જેવી મોટી મેચોમાં ભારતીય ક્રિકેટ ટીમના અંડર 19 સ્ટાર્સની ચમક જોવા મળી છે. મુંબઈ અને બરોડા વચ્ચે રમાઈ રહેલી ટૂર્નામેન્ટની બીજી ક્વાર્ટર ફાઈનલ મેચમાં 18 વર્ષના મુશીર ખાને મુશ્કેલ સમયમાં ટીમ માટે જબરદસ્ત ઇનિંગ રમી હતી. પોતાની માત્ર ચોથી ફર્સ્ટ ક્લાસ મેચ રમવા આવેલા આ યુવકે બેવડી સદી ફટકારી હતી. મુશીરે 142 રનમાં 5 વિકેટ ગુમાવી દેનારી ટીમને તેની મજબૂત ઇનિંગ્સથી 350 રનથી આગળ કરી દીધી હતી.
મુંબઈ અને બરોડાની ટીમો વચ્ચે રણજી ટ્રોફીની બીજી ક્વાર્ટર ફાઈનલ મેચ મુંબઈના હોમ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચના પ્રથમ દિવસે, બરોડાએ શાનદાર બોલિંગ કરીને માત્ર 142 રનમાં અડધી ટીમને રિટર્ન ટિકિટ આપી દીધી હતી. અંડર-19 વર્લ્ડકપમાં ધમાલ મચાવીને પરત ફરેલા મુશીર ખાને પોતાનો કમાલ બતાવ્યો હતો. પ્રથમ દિવસે સદી ફટકારીને ટીમની કમાન સંભાળી હતી. બીજા દિવસે પણ તેણે આ જ લય જાળવી રાખી અને તેની પ્રથમ ફર્સ્ટ ક્લાસ બેવડી સદી ફટકારી દીધી.
મુશીરની ડબલ સેન્ચૂરી
પોતાના કરિયરની માત્ર ચોથી ફર્સ્ટ ક્લાસ મેચ રમવા આવેલા મુશીર ખાને એવી યાદગાર ઈનિંગ રમી કે તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. 18 વર્ષીય યુવકે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં 5 વિકેટ પડતાં બેવડી સદી ફટકારી હતી. આ પહેલા તેના ખાતામાં સદી પણ ન હતી અને તેણે સીધી બેવડી સદી ફટકારી. છઠ્ઠી વિકેટ માટે તેણે હાર્દિક તમોર સાથે મળીને 181 રનની ભાગીદારી કરી હતી.
બરોડા સામે પ્રથમ દિવસની રમતમાં મુશીરે શાનદાર બેટિંગ કરી અને 179 બોલનો સામનો કર્યો અને 6 ચોગ્ગાની મદદથી સદી ફટકારી. આ પછી તેણે બીજા દિવસે પણ તે જ રીતે ઇનિંગ્સની શરૂઆત કરી જે રીતે તેણે પહેલા દિવસે કરી હતી. મુશીરે 264 બોલમાં 12 ચોગ્ગાની મદદથી પોતાના 150 રન પૂરા કર્યા. આ પછી તેણે 350 બોલમાં 18 ચોગ્ગાની મદદથી પોતાની બેવડી સદી પૂરી કરી.
સરફરાજ ખાને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમી રહ્યો છે
મુશીરના મોટા ભાઈ સરફરાઝ ખાને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં ડેબ્યૂ કર્યું હતું. રાજકોટમાં રમાયેલી મેચની પ્રથમ અને બીજી બંને ઇનિંગ્સમાં તેના બેટથી અડધી સદી જોવા મળી હતી.