Ranji Trophy Final: રણજી ટ્રોફી 2022-23ની ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમે બંગાળ ક્રિકેટ ટીમને 9 વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું છે.
મેચના ચોથા દિવસના પ્રથમ સેશન દરમિયાન બંગાળની ટીમ તેના બીજા દાવમાં 241 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. સૌરાષ્ટ્રને જીતવા માટે માત્ર 12 રનનો ટાર્ગેટ હતો જે તેણે સરળતાથી મેળવી લીધો હતો.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા બંગાળે શાહબાઝ અહેમદ (69) અને અભિષેક પોરેલ (50)ની અડધી સદી છતાં તમામ વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. જવાબમાં સૌરાષ્ટ્રે 404 રન બનાવી 230 રનની લીડ મેળવી હતી.
સૌરાષ્ટ્ર તરફથી હાર્વિક દેસાઈ (50), શેલ્ડન જેક્સન (59), અર્પિત વસાવડા (81) અને ચિરાગ જાની (61)એ અડધી સદી ફટકારી હતી.
બંગાળ બીજા દાવમાં પણ સસ્તામાં આઉટ થઈ ગયું હતું, જેમાં કેપ્ટન મનોજ તિવારીએ 68 રન બનાવ્યા હતા.
જયદેવ ઉનડકટે ફાઇનલમાં શાનદાર બોલિંગ કરીને 8 વિકેટ ઝડપી હતી. તેણે બીજા દાવમાં 5 વિકેટ લઈને વિપક્ષી ટીમને પેક કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ દરમિયાન તેણે રણજી ટ્રોફીમાં તેની 300 વિકેટ પૂરી કરી અને આ ટૂર્નામેન્ટમાં આ આંકડો સ્પર્શનાર પ્રથમ ડાબોડી ઝડપી બોલર બન્યો.
ઉનડકટ પછી રણજીમાં સૌથી વધુ વિકેટ લેનાર ડાબોડી ફાસ્ટ બોલર સમદ ફલાહ 272 વિકેટ સાથે છે.
અર્પિત વસાવડાએ પ્રથમ દાવમાં 11 ચોગ્ગાની મદદથી 81 રન બનાવ્યા હતા. આ સિઝનમાં આ તેની ત્રીજી અડધી સદી હતી. તેણે આ સિઝનમાં 10 મેચમાં 75.58ની એવરેજથી 907 રન બનાવ્યા છે. તે પોતાની ટીમ તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. માત્ર કર્ણાટકના કેપ્ટન મયંક અગ્રવાલે (990) તેના કરતા વધુ રન બનાવ્યા હતા. તેણે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં અત્યાર સુધીમાં 4,500થી વધુ રન બનાવ્યા છે.
કેરળનો જલજ સક્સેના આ સિઝનમાં સૌથી સફળ બોલર હતો, તેણે સાત મેચમાં 19.26ની એવરેજથી 50 વિકેટ લીધી હતી. આ યાદીમાં મુંબઈના શમ્સ મુલાની 46 વિકેટ લઈને બીજા સ્થાને છે.
મણિપુરના કિશન સિંહાએ 44 વિકેટ પોતાના નામે નોંધાવી હતી. સૌરાષ્ટ્રના ધર્મેન્દ્ર જાડેજાએ 43 વિકેટ લીધી હતી અને તેની ટીમ તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.