Ravi Shastri on Misfielding: ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો. મંગળવારે રાત્રે મોહાલીમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા 208 રનનો જંગી સ્કોર બનાવવા છતાં ટીમ ઈન્ડિયા જીતી શકી ન હતી. ટીમ ઈન્ડિયાની હારનું મુખ્ય કારણ નબળી બોલિંગની સાથે-સાથે નબળી ફિલ્ડિંગ પણ હતી. ભારતીય ખેલાડીઓએ આ મેચમાં ઓસ્ટ્રેલિયાના મહત્વના બેટ્સમેનના ત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ કેચ છોડ્યા હતા.
પ્રથમ અક્ષર પટેલે 42 રનના વ્યક્તિગત સ્કોર પર ડીપ મિડવિકેટ પર ગ્રીનને જીવનદાન આપ્યું હતું. થોડી જ વારમાં કેએલ રાહુલે પણ લોંગ ઓફ પર ગ્રીનનો કેચ છોડ્યો હતો. ગ્રીને 29 બોલમાં 61 રનની ઝડપી ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને મજબૂત શરૂઆત અપાવી હતી. છેલ્લે મેથ્યુ વેડનો કેચ છોડવો ટીમ ઈન્ડિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો. હર્ષલ પટેલે 18મી ઓવરમાં પોતાના જ બોલ પર વેડનો કેચ છોડ્યો, જ્યારે આ બેટ્સમેન માત્ર 14 બોલમાં 23 રન બનાવીને રમી રહ્યો હતો. વેડે આગામી 7 બોલમાં 22 રન બનાવી ઓસ્ટ્રેલિયન ટીમને જીત અપાવી હતી.
'ટીમમાં યુવા ખેલાડીઓના અભાવે ફિલ્ડિંગને અસર થઈ'
પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાની આ નબળી ફિલ્ડિંગ પર આકરા પ્રહારો કર્યા હતા. દિવસેને દિવસે ખરાબ થતી ફિલ્ડિંગ અંગે શાસ્ત્રીએ કહ્યું કે, ટીમમાં કોઈ યુવા ખેલાડી નથી, તેથી જ ફિલ્ડિંગ નબળી પડી રહી છે. રવિ શાસ્ત્રીએ ટિપ્પણી કરતાં કહ્યું, 'જો તમે અગાઉની તમામ ટોચની ભારતીય ટીમો પર નજર નાખો, તો તમે જોશો કે તે ટીમોમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું સારું મિશ્રણ હતું. હું અહીં યુવા ખેલાડીઓની ગેરહાજરી જોઉં છું અને તેથી જ ફિલ્ડિંગ પર અસર પડી રહી છે.
'મોટી ટૂર્નામેન્ટમાં નુકસાન વેઠવું પડી શકે છે'
શાસ્ત્રીએ આગળ કહ્યું, 'જો તમે છેલ્લા પાંચ-છ વર્ષ પર નજર નાખો, તો મને લાગે છે કે આ ભારતીય ટીમ ફિલ્ડિંગના મામલામાં ટોચની કોઈપણ ટીમો સાથે ટક્કર નથી આપતી. મોટી ટૂર્નામેન્ટમાં આ ઘણું નુકસાનકારક હોઈ શકે છે. નબળી ફિલ્ડિંગનો અર્થ એ છે કે બેટિંગ યુનિટ તરીકે તમારે દરેક મેચમાં 15-20 રન વધુ બનાવવા પડશે કારણ કે જો તમે ટીમની આસપાસ જુઓ તો ફિલ્ડિંગ ટેલેન્ટ ક્યાં છે? જાડેજા અહીં નથી. એક્સ-ફેક્ટર ક્યાં છે?'