CSK vs RCB: આઈપીએલ 2021ના 19માં મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સના રવિંદ્ર જાડેજાએ કમાલ કરી છે. જાડેજાએ માત્ર 28 બોલમાં નોટઆઉટ 62 રનની વિસ્ફોટક ઈનિંગ રમી છે. રવિંદ્ર જાડેજાની આ શાનદાર ઈનિંગના કારણે ચેન્નઈ સુપર કિંગ્સે બેંગ્લોરને જીત માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે. જાડેજાએ અંતિમ 20મી ઓવરમાં 37 રન બનાવી ઈતિહાસ રચ્યો છે. રવિન્દ્ર જાડેજાએ અંતિમ ઓવરમાં આક્રમક બેટિંગ કરી હતી. હર્ષલ પટેલે અંતિમ ઓવરમાં 37 રન આપ્યા હતા. જાડેજાએ  6, 6, 6+Nb, 6, 2, 6, 4 રન ફટકાર્યા હતા.



આ વર્ષે સૌથી વધુ વિકેટ લેનારા હર્ષલ પટેલે આરસીબી માટે 20મી ઓવરમાં 37 રન આપ્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં આ સંયુક્ત રીતે સૌથી મોંઘી ઓવર રહી હતી. આ પહેલા આઈપીએલ 2011માં પ્રશાંત પરમેશ્વરે એક જ ઓવરમાં 37 રન આપ્યા હતા. ત્યારે ક્રિસ ગેઈલે તેની સામે આ રેકોર્ડ બનાવ્યો હતો.



આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આઈપીએલ 2021માં વાનખેડે સ્ટેડિયમમાં કોઈ કેપ્ટને ટોસ જીતી પ્રથમ વખત બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. તેનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો ડૂ પ્લેસિસ અને ગાયકવાડે સારી શરૂઆત કરી હતી.