ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી અને ચોથી ટેસ્ટ મેચ 15થી 19 જાન્યુઆરીની વચ્ચે બ્રિસ્બેનમાં રમાશે. જોકે આ ટેસ્ટ મેચ પહેલા ભારત માટે ખરાબ સમાચાર છે. કારણ કે આ ટેસ્ટ મેચમાં ભારતનાય સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા રમતા જોવા નહીં મળે. એટલું જ નહીં ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ મેચમાંથી પણ તે બહાર થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં બેટિંગ દરમિયાન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કનો બોલ જાડેજાના ડાબા હાથ પર લાગ્યો હતો. બાદમાં જ્યારે સ્કેન કરવામાં આવ્યું તો ખબર પડી કે તેના ડાબા હાથના અંગુઠામાં ફ્રેક્ચર છે. ઈજાના કારણે તે બીજી ઈનિંગમાં બોલિંગ નહી કરી શકે.
ભારતીય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું, 'રવિંદ્ર જાડેજા ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર થયો છે. તેને એકદમ ઠીક થવા માટે ચારથી છ સપ્તાહનો સમય લાગશે. જરૂર પડશે તો તે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટના પાંચમાં દિવસે ઈન્જેક્શન લઈ બેટિંગ કરશે.'
ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં જાડેજાએ અણનમ 28 રન બનાવ્યા હતા. તેણે ઝડપથી રમતા 27 બોલમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે પ્રથમ ઇનિંગમાં બોલિંગ કરતાં જાડેજાએ સૌથી વધારે ચાર વિકેટ લીધી હતી. તેણે પ્રથમ ઇનિંગમાં 18 ઓવરમાં 62 રન આપીને ચાર વિકેટ લીધી હતી.