IND vs SL, Pune T20: શ્રીલંકાએ બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાને 16 રને હરાવ્યું છે. આ રીતે 3 મેચની સિરીઝ 1-1ની બરાબરી પર આવી ગઈ છે. ભારતીય ટીમને મેચ જીતવા માટે 207 રનનો ટાર્ગેટ હતો, પરંતુ ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 8 વિકેટે 190 રન જ બનાવી શકી હતી. શ્રીલંકન ટીમની જીતનો હીરો કેપ્ટન દશુન શનાકા રહ્યો હતો. દશુન શનાકાએ 22 બોલમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 56 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં 1 ઓવરમાં 4 રન આપીને 2 ખેલાડીને આઉટ કર્યા હતા. દાશુન શનાકાને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.


 




હાર પર કેપ્ટન હાર્દિક પંડ્યાએ શું કહ્યું?


આ હાર બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે બોલિંગ સિવાય અમે બેટિંગમાં પણ ભૂલો કરી. પાવરપ્લે અમારા માટે સારું રહ્યું ન હતું. અમે સાધારમ ભૂલો કરી છે, જે આ તબક્કે ન થવી જોઈએ, પરંતુ અમે અમારી ભૂલોમાંથી શીખવાનો પ્રયાસ કરીશું. તેણે કહ્યું કે મેદાન પર તમારો ખરાબ દિવસ આવી શકે છે, પરંતુ તમે તેનાથી ઘણું વધારે કરી શકો છો. ભારતીય બોલરો અંગે હાર્દિક પંડ્યાએ કહ્યું કે અમે ઘણા નો બોલ કર્યા. તમે આ માટે કોઈને દોષી ન ઠેરવી શકો, નો-બોલિંગ ગુનો નથી. આ સાથે હાર્દિક પંડ્યાએ સૂર્યકુમાર યાદવના વખાણ કર્યા હતા.


અક્ષર પટેલ અને સૂર્યકુમાર યાદવની તોફાની ઇનિંગ્સ


ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો અક્ષર પટેલે 31 બોલમાં સૌથી વધુ 65 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. આ સાથે જ સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 51 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. શિવમ માવીએ 15 બોલમાં 26 રનની તોફાની ઈનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીતની ઉંબરે લઈ જઈ શક્યો નહોતો. શ્રીલંકા તરફથી કાસુન રજીથા ઉપરાંત દિલશાન મધુશંકા અને દશુન શનાકાએ 2-2 વિકેટ ઝડપી હતી.



મેચની વાત કરીએ તો ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકા ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના નુકશાને 206 રન બનાવ્યા હતા, તો સામે લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા 20 ઓવરમાં 8 વિકેટો ગુમાવીને 190 રન જ બનાવી શકી હતી, આમ 16 રનોથી હારનો સામનો કરવો પડયો હતો, હવે આગામી 7મી જાન્યુઆરીએ ફાઇનલ ટી20 મેચ રમાશે.