Babar Azam Record: બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાનનું શાનદાર પ્રદર્શન યથાવત છે. ટીમે બીજી વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝને 120 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું. આ સાથે ટીમે 3 મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે સતત 10મી દ્વિપક્ષીય વન-ડે સીરિઝ કબજે કરી હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 8 વિકેટે 275 રન બનાવ્યા હતા. બાબર ઉપરાંત ઇમામ-ઉલ-હકે અડધી સદી ફટકારી હતી. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 32.2 ઓવરમાં 155 રનમાં સમેટાઈ ગઈ હતી. શેમરાહ બ્રુક્સે 42 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી ડાબોડી સ્પિનર ​​મોહમ્મદ નવાઝે 10 ઓવરમાં 19 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ તેનું ODIનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. મોહમ્મદ વસીમને પણ 3 વિકેટ મળી હતી. સીરિઝની અંતિમ મેચ 12 જૂને રમાશે.


બાબરે બનાવ્યો કયો મોટો રેકોર્ડ


શુક્રવારે વેસ્ટ ઈન્ડિઝ સામે તેમણે 77 રનોની ઈનિંગ રમી મહારેકોર્ડ બનાવ્યો હતો. બાબર આઝમે સતત નવમાં મુકાબલામાં 50 પ્લસ સ્કોર બનાવ્યો છે. પુરુષ વન ડે ક્રિકેટ ઈતિહાસમાં આનાથી સારું કોઈ નથી કરી શક્યું. મહત્વની વાત એ છે કે, બાબર ત્રણેય ફોર્મેટમાં રન બનાવી રહ્યા છે. છેલ્લી 9 ઈનિંગની વાત કરીએ તો બાબરે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં 196, 67,55 રનોની ઈનિંગ રમ્યા હતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની સામે ત્રણ વન ડે મેચોની સિરિઝમાં 57, 114 અને 105 રનોની ઈનિંગ રમ્યા હતા. ઓસ્ટ્રેલિયાની સામે એક માત્ર T20 મુકાબલામાં 66 રન બનાવ્યા હતા. હવે બાબર વેસ્ટ ઈન્ડિઝ સામે ધમાલ મચાવી રહ્યો છે. બાબરે પ્રથમ વન ડેમાં 103 અને બીજા મુકાબલામાં 77 રન બનાવ્યા હતા.


બાબર આઝમની કેવી છે કરિયર


બાબર આઝમે 88 વનડેમાં 60ની એવરેજથી 4,441 રન બનાવ્યા છે. તેમણે 17 સદી ઉપરાંત 19 હાફ સેન્ચ્યુરી ફટકારી છે. પુરુષ વન ડે ક્રિકેટમાં માત્ર 3 ખેલાડીઓની જ એવરેજ 60 થી ઉપર છે. ટોચ પર દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન રાસી વૈન ડર હૂસેન છે. તેમની એવરેજ 71.84 છે. ત્યારબાદ નેધરલેન્ડનો બેટ્સમેન રેયાન ડોશચેતેએ 67ની એવરેજથી રન બનાવ્યા છે. રાસી માત્ર 35 અને રેયાન 33 મુકાબલા રમ્યા છે.