નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝન એપ્રિલ-મે રમાવવાની છે. પરંતુ બુધવારનો દિવસ આઇપીએલની આગામી સિઝન માટે તમામ ખેલાડીઓ માટે મહત્વનો બની રહેશે, કેમકે 20 જાન્યુઆરીએ 14મી સિઝનમાં કઇ ટીમમાં કયો ખેલાડી રહેશે તે વાતનો ફેંસલો થવાનો છે. બીસીસીઆઇએ ખેલાડીઓને રિલીઝ કરવા માટે તમામ ટીમોને 20 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો. સાંજે 6 વાગે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર એક શૉ ટેલિકાસ્ટ થશે જેમાં બતાવવામાં આવશે કે તમામ ટીમોએ કયા કયા ખેલાડીઓને રિલીઝ કર્યા છે.


ખેલાડીઓની રિટેને અને રિલીઝ લિસ્ટ જાહેર થાય તે પહેલા કેટલાય પ્રકારના કયાસો લગાવવામાં આવી રહ્યાં છે. એવી ખબર છે કે રાજસ્થાન રૉયલ્સની ટીમ કેપ્ટન સ્ટીવ સ્મિથને રિલીઝ કરી શકે છે. સ્મિથને ટીમમાં રાખવા માટે રાજસ્થાન રૉયલ્સ 12.5 કરોડ રૂપિયા ચૂકવે છે, અને તેની આગેવાનીમાં ગઇ સિઝનમાં ટીમે ખુબ નિરાશાજનક પ્રદર્શન કર્યુ હતુ.

આ ઉપરાંત ધોનીની આગેવાની વાળી ચેન્નાઇ સુપર કિંગ્સમાં પણ મોટા ફેરફારો થઇ શકે છે. સીએસકેમાંથી પીયુષ ચાવલા અને મુરલી વિજયની છુટ્ટી નક્કી માનવામાં આવે છે. આ ઉપરાંત સુરેશ રૈના પર પણ તલવાર લટકી રહી છે.

કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાંથી પણ 14મી સિઝન માટે ફેરફાર નક્કી છે. પંજાબની ટીમ કરુણ નાયરને રિલીઝ કરશે. ગ્લેન મેક્સવેલ પર પણ લટકતી તલવાર છે.

કેકેઆરમાંથી દિનેશ કાર્તિક રિલીઝ કરવામાં આવે તેવી વાતો છે. જોકે આ અંગે કેકેઆર હજુ સુધી કોઇ સ્પષ્ટતા નથી કરી શક્યુ.