Rishabh Pant Play Cricket Match After Car Accident: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો છે. ડિસેમ્બર 2022માં કાર અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયેલા પંત પ્રથમ વખત ક્રિકેટના મેદાનમાં પરત ફર્યા છે. તેણે તેની IPL ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સની પ્રેક્ટિસ મેચમાં ભાગ લીધો હતો.


વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત કર્ણાટકના અલૂરમાં તેની ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સ દ્વારા આયોજિત પ્રેક્ટિસ મેચમાં ભાગ લીધા બાદ IPLની આગામી સિઝનમાં પુનરાગમન કરવા જઈ રહ્યો છે. ડિસેમ્બર 2022માં એક ભયાનક કાર અકસ્માતમાં પંત ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ કારણે તેણે લિગામેન્ટ સર્જરી કરાવવી પડી.


ઋષભ પંત નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં પુનર્વસનમાંથી પસાર થઈ રહ્યો છે અને માર્ચના છેલ્લા સપ્તાહની આસપાસ શરૂ થનારી IPLની શરૂઆત પહેલા મેચ ફિટનેસ પાછી મેળવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. આ ડાબા હાથના બેટ્સમેને અગાઉ એક પ્રદર્શની મેચમાં પણ ભાગ લીધો હતો.


બેંગલુરુ નજીક અલૂર ખાતે 'ઇન્ટ્રા-સ્કવોડ' મેચનો ઉલ્લેખ કરતા, એનસીએના એક સૂત્રએ જણાવ્યું હતું કે, આ મેચ મૂળભૂત રીતે ઋષભ પંતની શારીરિક તંદુરસ્તીનું મૂલ્યાંકન કરવા માટે હતી. તે છેલ્લા કેટલાક સમયથી નેટ સેશનમાં બેટિંગ કરી રહ્યો છે અને પ્રેક્ટિસ મેચમાં રમવું એ આગળના પગલા જેવું છે.






આ મહિનાની શરૂઆતમાં દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે કહ્યું હતું કે ઋષભ પંતને આઈપીએલની આગામી સિઝનમાં પુનરાગમન કરવાનો વિશ્વાસ છે. જો પંત વિકેટ પાછળ તેની ભૂમિકા નિભાવવામાં સક્ષમ ન હોય તો તે બેટ્સમેન તરીકે રમી શકે છે અથવા આગામી આઈપીએલમાં તેનો 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે ઉપયોગ થઈ શકે છે.


પોન્ટિંગે મેલબોર્નમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ઋષભને વિશ્વાસ છે કે તે મેચ રમવા માટે ફિટ થઈ જશે. તે ટીમમાં કઈ ક્ષમતામાં હશે તે અંગે અમને હજુ સુધી સંપૂર્ણ ખાતરી નથી. તમે સોશિયલ મીડિયા પર તેની સાથે જોડાયેલી વસ્તુઓ જોઈ હશે, તે એક્ટિવ છે અને સારું કામ કરી રહ્યો છે.


તેણે આગળ કહ્યું, "અમે માત્ર એવી આશા રાખી શકીએ છીએ કે તે રમવા માટે ઉપલબ્ધ છે. તે બધી મેચો નહીં રમી શકે પરંતુ જો તે 14 લીગ મેચોમાંથી 10 મેચ પણ રમે છે, તો તે ટીમ માટે બોનસ સમાન હશે.






પોન્ટિંગે આગળ કહ્યું, "હું ગેરંટી આપું છું કે જો મેં તેને હવે રમવા વિશે પૂછ્યું, તો તે કહેશે, હું દરેક મેચ રમવા માટે તૈયાર છું, હું દરેક મેચ અને ચોથા નંબર પર બેટિંગ કરવા તૈયાર છું. જો કે, અમે રાહ જોવી અને જોવા માંગીએ છીએ. અત્યારે તે એક અદ્ભુત ખેલાડી છે. તે દેખીતી રીતે જ અમારો કેપ્ટન છે. ગયા વર્ષે અમે તેને ખૂબ જ યાદ કર્યો. જો તમે છેલ્લા 12-13 મહિનાની તેની સફર પર નજર નાખો તો તેણે ખૂબ જ મહેનત કરી છે. ક્રિકેટ રમવાનું છોડી દો, તે માને છે. પોતે ભાગ્યશાળી છે કે તેઓ બચી શક્યા."