ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર રિષભ પંતે છેલ્લા બે વર્ષમાં પોતાની રમત રમવાની સ્ટાઈલ અને પ્રદર્શનમાં ઘણા ફેરફાર કર્યા છે. રિષભ પંત અત્યારે IPLમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. પંત પોતાના સારા પ્રદર્શનથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. પરંતુ બે વર્ષ પહેલા આવું નહોતું કારણ કે, ઋષભ પંત ખરાબ ફોર્મના કારણે દરેકના નિશાના પર હતો. ઋષભ પંતે હવે એક ઈન્ટરવ્યુમાં પોતાના ખરાબ પ્રદર્શનના એ સમય વિશે ખુલીને વાત કરી છે.
ખરાબ સમયમાં શું કર્યું?
ઋષભ પંતે કહ્યું કે તે મારા માટે મુશ્કેલ સમય હતો, હું કોઈની સાથે વાત નહોતો કરતો. હું ફક્ત મારી જાત પર વિશ્વાસ કરતો હતો, કારણ કે હું દુનિયા સામે કંઈક સાબિત કરવા માંગતો હતો. મેં કોઈના વિશે વિચાર્યું ન હતું, હું રોહિત અને ધોની ભાઈ સાથે વાત કરતો હતો પરંતુ મને મારી જાત પર વિશ્વાસ હતો. રિષભ પંતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પોતાના ખરાબ ફોર્મ વિશે પણ વાત કરતાં કહ્યું કે, તે ખરાબ તબક્કો હતો, પરંતુ હવે હું વધારે વિચારતો નથી. હું ફક્ત બોલ પ્રમાણે જ રમું છું અને મારી જાતને કઈ રીતે કંટ્રોલ કરી શકું તેનો માર્ગ શોધું છું.
લીડરશીપની ભૂમિકામાં પંતઃ
અહીં એ વાત ચોક્કસથી કરવી પડે કે, 2017માં જ્યારે ઋષભ પંત 19 વર્ષનો હતો ત્યારે તે પહેલીવાર લોકો સામે આવ્યો હતો. પરંતુ ટેસ્ટમાં ડેબ્યુ કર્યા બાદ ઋષભ પંતે પોતાની ગેમને સંપૂર્ણ રીતે બદલી નાખી. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટેસ્ટ સિરીઝ અને તેમાં પંતનું શાનદાર પ્રદર્શન ગેમ ચેન્જર સાબિત થયું. તે સિરીઝ બાદથી ઋષભ પંત ભારતીય ટીમ માટે મહત્વનો ખેલાડી બની ગયો છે. હવે ઋષભ ટી-20, વનડે અને ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાનો નંબર-1 વિકેટકીપર છે. ઋષભનો લીડરશીપની ભૂમિકામાં પણ સમાવેશ કરવામાં આવે છે અને ભવિષ્યના ટીમ લીડર તરીકે જોવામાં આવે છે. ઋષભ પંતના કરિયરની વાત કરીએ તો તેણે 2017માં T20 ડેબ્યૂ કર્યું હતું, જ્યારે 2018માં ODI અને ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ઋષભ પંતે અત્યાર સુધી 30 ટેસ્ટ રમી છે જેમાં તેણે 1920 રન બનાવ્યા છે અને ચાર સદી પણ ફટકારી છે.