પાંચમી ટેસ્ટ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત આ મેચમાંથી બહાર છે. ઈજાને કારણે તે 31 જૂલાઈથી શરૂ થનારી મેચમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ જણાવ્યું હતું કે પંતના સ્થાને એન જગદીશનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ઈજાને કારણે પંત પાંચમી ટેસ્ટમાંથી બહાર
માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ દરમિયાન જમણા પગમાં ફ્રેક્ચર થવાને કારણે ઋષભ પંત સીરિઝની પાંચમી અને અંતિમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઇ મેડિકલ ટીમ તેની પ્રગતિ પર નજર રાખશે. મેન્સ પસંદગી સમિતિએ લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે 31 જૂલાઈથી શરૂ થનારી પાંચમી ટેસ્ટ માટે ઋષભ પંતની જગ્યાએ નારાયણ જગદીશનનો ટીમમાં સમાવેશ કર્યો છે.
એન જગદીશન કોણ છે?
પંતના સ્થાને ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવનાર વિકેટકીપર બેટ્સમેન એન જગદીશન છે. 24 ડિસેમ્બર 1995ના રોજ તમિલનાડુમાં જન્મેલા જગદીશન હજુ સુધી ભારત માટે ડેબ્યૂ કરી શક્યા નથી. જોકે, તેણે ઘરેલુ ક્રિકેટમાં ધૂમ મચાવી છે. 29 વર્ષીય બેટ્સમેનના 52 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 3373 રન છે. આમાં તેણે 10 સદી અને 14 અડધી સદી ફટકારી છે. જગદીશને 64 લિસ્ટ A મેચોમાં 2728 રન અને 66 T20 મેચોમાં 1475 રન બનાવ્યા છે. જમણા હાથના આ બેટ્સમેન IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ માટે રમી ચૂક્યા છે. IPLમાં રમાયેલી 13 મેચોમાં તેના નામે 162 રન છે.
ચોથી ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ
શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની સદીઓના દમ પર ભારતે ઇંગ્લેન્ડ સામે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રો કરી હતી. આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ભારતીય ટીમે યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન અને ઋષભ પંતની અડધી સદીની ઇનિંગ્સના દમ પર 358 રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડે 10 વિકેટે 669 રન બનાવ્યા હતા અને 311 રનની લીડ મેળવી હતી. આ પછી ભારતે બીજી ઇનિંગમાં ચાર વિકેટે 425 રન બનાવ્યા હતા અને મેચનો અંત ડ્રો રહ્યો હતો. પાંચ મેચની આ શ્રેણીમાં ઇંગ્લેન્ડ હજુ પણ 1-2થી આગળ છે. વર્તમાન શ્રેણીની છેલ્લી મેચ 31 જુલાઈથી ઓવલ ખાતે રમાશે.