Road Safety World Series Final: ઈન્ડિયા લિજેન્ડસે શ્રીલંકા સામેની ફાઈનલ મેચમાં 14 રનથી શાનદાર જીત મેળવી છે. 182 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકા લિજેન્ડની ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 167 રન બનાવી શકી હતી. સનથ જયસુર્યાએ 35 બોલમાં 43 રન બનાવ્યા હતા. ભારત તરફથી યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણે 2-2 વિકેટ ઝડપી હતી. મનપ્રિત ગોની અને મુનાફ પટેલે 1-1 વિકેટ ઝડપી હતી.
ઈન્ડિયા લિજેન્ડસે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 181 રન બનાવ્યા છે. ઈન્ડિયા લિજેન્ડસે શ્રીલંકાને જીત માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈન્ડિયા લિજેન્ડસ તરફથી તોફાની બેટિંગ કરતા યુસુફ પઠાણે 36 બોલમાં અણનમ 62 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે 5 સિક્સર ફટકારી હતી. યુવરાજ સિંહે પણ બેટિંગમાં કમાલ કરતા અડધી સદી ફટકારી હતી.
યુવરાજ સિંહે 41 બોલમાં 60 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકરે 23 બોલમાં 30 રન બનાવ્યા હતા. વિરેંદ્ર સહેવાગ માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો. શ્રીલંકા તરફથી રંગના હેરથ, સનથ જયસુર્યા, મહારુફ અને કૌશલ્યા વિરારત્નેએ 1-1 વિકેટ ઝડપી હતી.
રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝનો ફાઈનલ મુકાબલો ઈન્ડિયા લિજેન્ડ્સ અને શ્રીલંકા લિજેન્ડ્સ વચ્ચે રાયપુરમાં રમાઈ રહ્યો છે. શ્રીલંકાએ ટોસ જીતી ઈન્ડિયાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતે 2011 વર્લ્ડકપ ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને બીજી વખત આઈસીસી વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ઈન્ડિયા લિજેન્ડ્સ પાસે આ સમયે 2011ના વર્લ્ડ કપ ટીમના પાંચ ખેલાડી છે. જ્યારે શ્રીલંકા પાસે 2011 વર્લ્ડ કપ ઉપવિજેતા ટીમના છ ખેલાડી આ ટીમમાં છે.
રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝના ફાઈનલ મુકાબલામાં શ્રીલંકાના કેપ્ટન દિલશાને ટોસ જીત્યો છે. આ સીરીઝના તમામ મુકાબલામાં દિલશાન ટોસ જીતવામાં સફળ રહ્યા છે. દરેક વખતની જેમ આ વખતે પણ શ્રીલંકાએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. શ્રીલંકાએ ટીમમાં કોઈ બદલાવ નથી કર્યો.
સચિન તેંડુલકરની આગેવાનીવાળી ઈન્ડિયા લિજિડેન્સની ટીમમાં વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, યુસુફ પઠાણ અને મુનાફ પટેલ જેવા ખેલાડીઓ છે. જ્યારે ફાસ્ટ બોલર ઝહિર ખાન ગત વર્ષે આ ટીમનો હિસ્સો હતો. તેની વચ્ચે શ્રીલંકા લિજેન્ડ્સ ટીમમાં કેપન્ટ તિલકરત્ને દિલશાન, રંગના હેરાથ, નુવાન કુલસેકરા, અજંતા મેન્ડિસ, ચમારા સિલ્વા અને ઉપુલ થરંગા સામેલ છે જે 2011 વર્લ્ડ કપ ઉપવિજેતા ટીમનો હિસ્સો હતો.
ઈન્ડિયા લિજેન્ડ્સે વેસ્ટ ઈન્ડિઝ લિજેન્ડ્સને હરાવીને રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં ઈન્ડિયા લિજેન્ડ્સે વેસ્ટ ઇન્ડિઝના લિજેન્ડ્સને 12 રને હરાવી હતી. વેસ્ટઈન્ડિઝ લિજેન્ડ સામે શાનદાર બેટિંગ માટે યુવરાજ સિંહને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે 20 બોલમાં છ છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 49 રન બનાવ્યા હતા. તેણે વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બોલર મહેન્દ્ર નાગામોટોની ઓવર (19મી ઓવર) માં ચાર સિક્સર ફટકારી હતી.