મુંબઇઃ ચીનમાંથી શરૂ થયેલો કોરોના વાયરસ હવે દુનિયાભરમાં ફેલાઇ રહ્યો છે. ભારતમાં પણ કોરોનાની અસર ધીમે ધીમે વધી રહી છે, તેની અસરને જોતા ક્રિકેટની ટૂર્નામેન્ટ રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સીરીઝમાં સચિન, સહેવાગ, લારા જેવા દિગ્ગજો રમી રહ્યાં હતાં.


ભારતમાં રમાઇ રહેલી રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ ક્રિકેટ ટૂર્નામેન્ટ પર કોરોનાની અસર જોવા મળી છે. રિપોર્ટ પ્રમાણે લેજેન્ડ ખેલાડીઓ દ્વારા રમાઇ રહેલી રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝને હાલ રદ્દ કરવામાં આવી છે, જોકે, પરિસ્થિતિ સામાન્ય થશે ત્યારે ફરીથી શરૂ કરાશે. આમાં નવી તારીખોની પણ જાહેરાત થશે.



રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં ભારતીય ટીમ....
રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં અત્યાર સુધી 4 મેચ જ રમાઇ છે, જેમાં ઇન્ડિયા લીજેન્ડ્સની બે મેચો શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમાઇ હતી. આ બન્ને મેચોમાં ભારતની જીત થઇ હતી. ખાસ વાત છે કે આ સીરીઝની ફાઇનલ મેચ 22 માર્ચે રમાવવાની હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં કર્ણાટકના 76 વર્ષના એક વૃદ્ધે કોરોના કારણે જીવ ગુમાવતા સરકાર એલર્ટ મોડમાં આવી ગઇ છે. કોરોનાના કારણે હાલ ચાલી રહેલી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વનડે સીરીઝ પણ ખાલી સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી બાજુ આઇપીએલ 2020 રદ્દ કરવાની પણ માંગ ઉઠી રહી છે.