ENG vs IND Test Team: ભારતીય ટીમ જૂન મહિનામાં ઈંગ્લેન્ડ સામે 1 ટેસ્ટ મેચ રમશે. આ માટે ટીમ ઈન્ડિયાની (TEST Squad For England Tour) જાહેરાત કરવામાં આવી છે. ગયા વર્ષે જ્યારે ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી, ત્યારે તે સમયે માત્ર 4 ટેસ્ટ મેચ રમાઈ હતી. તે શ્રેણીની બાકીની 1 મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સાથે, કેએલ રાહુલને ટીમના વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપાઈ છે. જ્યારે વિકેટકીપર તરીકે રિષભ પંત સિવાય કેએસ ભરતને સ્થાન મળ્યું છે.


પંત સાથે કેએસ ભરત રિઝર્વ વિકેટકીપર હશે:
કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત કેએલ રાહુલ, શુભમન ગિલ અને વિરાટ કોહલીને ટોપ ઓર્ડરમાં સ્થાન મળ્યું છે. આ સાથે, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પૂજારા, ઋષભ પંત (વિકેટકીપર) મિડલ ઓર્ડરમાં હશે. કેએસ ભરતનો રિઝર્વ વિકેટકીપર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય રવિન્દ્ર જાડેજા અને રવિ અશ્વિન ઓલરાઉન્ડર તરીકે ટીમમાં હશે. જ્યારે શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણા ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે.


ફાસ્ટ બોલર ઉમેશ યાદવને તેણે આઈપીએલમાં કરેલી સારી બોલિંગનું ઈનામ મળ્યું છે. યાદવને ઈંગ્લેન્ડ સામેની આ શ્રેણી માટે ભારતીય ટીમમાં જગ્યા મળી છે. આ સિવાય ચેતેશ્વર પૂજારાની પણ વાપસી થઈ છે. ચેતેશ્વર પુજારા કાઉન્ટી ક્રિકેટમાં સતત રન બનાવી રહ્યો છે. રવિન્દ્ર જાડેજા અને રવિ અશ્વિન સ્પિન બોલિંગ સંભાળશે. નોંધનીય છે કે ઈંગ્લેન્ડના આ પ્રવાસ પર ભારતીય ટીમ ટેસ્ટ મેચ ઉપરાંત ટી-20 શ્રેણી પણ રમશે. આ સિવાય ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સામે ટી-20 મેચ પણ રમશે.


ભારતીય ટીમ આ પ્રમાણે છેઃ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિ અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા