અત્યારે IPL 2022 સીઝનની મેચોનું ઘમાસાણ ચાલી રહ્યું છે. કેએલ રાહુલ અને શિખર ધવન સહિત ઘણા ભારતીય બેટ્સમેન ખુબ સારું રમી રહ્યા છે. પરંતુ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા બેટ્સમેનનું બેટ શાંત છે. જો બોલરના પ્રદર્શનની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રવિન્દ્ર જાડેજા અને મુંબઈ ઈંડિયન્સના બોલર જસપ્રિત બુમરાહ બેટ્સમેનોની વિકેટ લેવામાં ખુબ જ સંઘર્ષ કરતા દેખાઈ રહ્યા છે.
હવે સવાલ એ થઈ રહ્યો છે કે, ઓસ્ટ્રેલિયામાં રમાનાર આગામી ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈંડિયાનું શું થશે? શું ટીમ ઈંડિયા આ ખેલાડીયોના ભરોસે ટી-20 વર્લ્ડ કપ જીતી શકશે? આજે આપણે આ પ્રશ્નોના જવાબ જાણવાનો પ્રયત્ન કરીશું
વિરાટ કોહલીઃ IPL 2022ની સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના બેટ્સમેન અને પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો ફ્લોપ શો ચાલુ છે. કોહલી રન બનાવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે. વિરાટના બેટથી આ સિઝનમાં અત્યાર સુધી 9 મેચમાં માત્ર 128 રન જ બન્યા છે. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં વિરાટ કોહલી પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. આ રીતે કોહલી સતત 2 મેચમાં ગોલ્ડન ડક આઉટ થયો છે. T20 વર્લ્ડ કપ પહેલાં વિરાટ કોહલીનું આ ફોર્મ ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલીનું કારણ છે.
રોહિત શર્માઃ IPL 2022ની સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના કેપ્ટન અને હિટમેન તરીકે જાણીતો રોહિત શર્મા ફ્લોપ રહ્યો છે. રોહિત સતત ઓછા રન બનાવીને આઉટ થઈ રહ્યો છે. રોહિત શર્માનું બેટ અત્યાર સુધી 8 મેચમાં 19.13ની એવરેજથી માત્ર 154 રન બનાવી શક્યું છે. ભારતીય ટીમના કેપ્ટનના આ ફોર્મની અસર તેની ટીમ પર પણ પડી રહી છે. સ્થિતિ એ છે કે, મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની ટીમ 8 મેચ બાદ પણ પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. રોહિતના આ ખરાબ ફોર્મના કારણે ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીતની આશાઓ પર પાણી ફરી વળી શકે છે.
જસપ્રિત બુમરાહઃ મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પણ આઈપીએલ 2022ની સિઝનમાં સારું પ્રદર્શન નથી કરી શક્યો. બુમરાહની બોલિંગ ઉપર બેટ્સમેનો સરળતાથી રન બનાવી રહ્યા છે. ડેથ ઓવરના સ્પેશિયાલિસ્ટ ગણાતા જસપ્રિત બુમરાહની યોર્કર બોલિંગ બરાબર નથી પડી રહી. આ કારણે મોટા ભાગના બેટ્સમેનો બુમરાહ સામે કોઈ સમસ્યા વિના રન બનાવી રહ્યા છે. ટી20 વર્લ્ડ કપ પહેલાં બુમરાહનું ખરાબ ફોર્મ ટીમ મેનેજમેન્ટનું ટેન્શન વધારશે.
રવિન્દ્ર જાડેજાઃ ભારતીય ઓલરાઉન્ડર અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના કેપ્ટન રવિન્દ્ર જાડેજા IPL 2022 સીઝનમાં તેની ઓલરાઉન્ડર ક્ષમતા પ્રમાણે જરુરી પ્રદર્શન નથી કરી શક્યો. જાડેજા બેટિંગમાં તો ખાસ રન નથી બનાવી શક્યો સાથે-સાથે બોલિંગમાં પણ વિકેટ લઈ શકતો નથી. આઈપીએલ 2022ની સિઝનમાં જાડેજા 8 મેચમાં માત્ર 5 વિકેટ લઈ શક્યો છે. જ્યારે બેટિંગમાં પણ તે માત્ર 112 રન જ બનાવી શક્યો છે.