IND vs SA Tour: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ખાસ દેખાવ કરી શક્યો નથી. જેને લઈને તેને સાઉથ આફ્રિકા પ્રવાસમાંથી બહાર કરવામાં આવ્યો હોવાની સિલેક્ટર્સે પુષ્ટિ કરી છે. કોહલી સાઉથ આફ્રિકા સામે રમાનારી ટી20 શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ નહીં હોય. વિરાટ કોહલીના વર્તમાન ફોર્મના કારણે તે લાંબા સમયથી ટીકાનો શિકાર બની રહ્યો છે.
IPL 2022માં વિરાટ કોહલીનું ફોર્મ સતત ચર્ચાનો વિષય બની રહે છે. 9 ઇનિંગ્સમાં માત્ર 128 રન બનાવનાર વિરાટ માટે હવે એવી માંગ ઉઠી રહી છે કે તેણે IPL છોડી દેવી જોઈએ. ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પણ અગાઉ વિરાટને બ્રેક લેવાની સલાહ આપી હતી. આ વખતે તેણે સ્પષ્ટ કહ્યું છે કે જો વિરાટ આગામી 6-7 વર્ષ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી આગળ વધારવા માંગતો હોય તો તેણે IPL છોડી દેવી જોઈએ.
નવેમ્બર 2019થી નથી ફટકારી સદી
રન મશીન તરીકે ઓળખાતા વિરાટે નવેમ્બર 2019 થી સદી ફટકારી નથી. છેલ્લા કેટલાક દિવસોથી તે અડધી સદી માટે પણ ઝઝૂમી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
વિરાટ કોહલીની કરિયર
વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય કરિયર પર નજર કરીએ તો 101 ટેસ્ટમાં 10 વખત નોટ આઉટ રહીને 49.96ની સરેરાશથી 8043 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 254 રન છે. ટેસ્ટ ક્રિકેટમાં 27 સદી અને 28 અડધી સદી મારી છે. 260 વન ડે મેચમાં 39 વખત નોટ આઉટ રહીને કોહલીએ 58.07ની સરેરાશથી 12311 રન ફટકાર્યા છે. જેમાં 43 સદી અને 64 અડધી સામેલ છે. જ્યારે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ ટી20ની 97 મેચમાં 137.68ના સ્ટ્રાઇક રેટથી 25 વખત નોટ આઉટ રહીને 3296 રન ફટકાર્યા છે.
કેવો છે આઈપીએલ દેખાવ
ટીમ ઈન્ડિયાના અને આરસીબીના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 216 મેચમાં 32 વખત નોટ આઉટ રહીને 6411 રન બનાવ્યા છે. આઈપીએલમાં તેણે 5 સદી ફટકારી છે અને 113 રન સર્વોચ્ચ સ્કોર છે.