Virat Kohli Rohit Sharma India: ભારતીય ક્રિકેટ ટીમે હાલમાં જ વેસ્ટઈન્ડીઝ સામે ટી20 સિરીઝમાં 4-1થી જીત મેળવી હતી. રોહિત શર્માની (Rohit Sharma) કેપ્ટનશીપમાં ભારતીય ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. રોહિતે પોતાની આગેવાનીમાં ભારતને 29 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં જીત અપાવી છે. હવે રોહિત શર્મા વિરાટ કોહલીના (Virat Kohli) એક ખાસ રેકોર્ડને તોડવાની નજીક પહોંચી ગયો છે. રોહિતની કેપ્તાનીમાં ભારતીય ટીમની જીત મેળવવાની ટકાવારી ઘણી વધારે છે.


ધોની છે ટૉપ પરઃ


ભારતને કેપ્ટન તરીકે સૌથી વધુ ટી20 મેચોમાં જીત અપાવવાના રેકોર્ડમાં મહેન્દ્ર સિંહ ધોનીનું (MS Dhoni) નામ નોંધાયેલું છે. ધોનીએ ટીમ ઈન્ડિયાને 41 મેચોમાં જીત અપાવી છે. જ્યારે આ મામલે કોહલી બીજા સ્થાન પર છે. કોહલીએ ભારતને 30 ટી20 મેચોમાં જીત અપાવી છે. રોહિત હવે કોહલીના રેકોર્ડને તોડવા માટે નજીક પહોંચી ગયો છે. રોહિતે 29 મેચોમાં જીત મેળવી છે અને તે હવે કોહલીનો રેકોર્ડ તોડવા માટે ફક્ત 2 જીત દુર છે.


રોહિતની જીતની ટકાવારી 82.85 ટકાઃ


રોહિતે કેપ્ટન તરીકે અત્યાર સુધી 35 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે અને આ દરમિયાન તેણે ફક્ત 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિતની મેચ જીતવાની ટકાવારી 82.85 છે. રોહિત કેપ્ટનશીપમાં ભારતે હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ સામે સારું પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ પહેલી મેચ 68 રનથી જીતી હતી. જ્યારે બીજી મેચ ભારત હારી ગયું હતું. આ પછીની ત્રણેય મેચ ભારતે જીતી લીધી હતી.


ઉલ્લેખનીય છે કે, રોહિતે ટી20 મેચોમાં અત્યાર સુધી સારો રેકોર્ડ રહ્યો છે. તેણે 132 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમતાં કુલ 3487 રન બનાવ્યા હતા. આ દરમિયાન રોહિતે 4 શતક અને 27 અર્ધશતક ફટકાર્યા છે. રોહિતનો ટી20 મેચમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 118 રન હતો.