નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોનીને લઇને ફરી અટકળો શરૂ થઇ છે. વર્ષ 2019ના વનડે વર્લ્ડકપ બાદ ક્રિકેટના ગ્રાઉન્ડ પરથી ગાયબ થઇ ગયેલા ધોનીની વાપસી પર હવે રોહિત શર્માએ પ્રતિક્રિયા આપી છે.


ટીમ ઇન્ડિયાના બેટ્સમેન સુરેશ રૈના સાથે એક લાઇવ સેશન દરમિયાન ભારતીય ટીમના ઉપકેપ્ટન રોહિત શર્માએ મોટુ નિવેદન આપ્યુ, રોહિતે કહ્યું કે. જો ધોની ફિટ હોય તો તેને ટીમ ઇન્ડિયા માટે જરૂર રમવુ જોઇએ. સાથે રૈનાએ પણ કહ્યું કે ધોનીને નેશનલ ટીમમાં વાપસી માટે એક મોકો મળવો જોઇએ.

લાઇવ સેશન દરમિયાન સુરેશ રૈનાએ કહ્યું કે સીએસકેના ટ્રેનિંગ કેમ્પ દરમિયાન ધોનીએ એક અભ્યાસ મેચમાં જબરદસ્ત બેટિંગ કરી હતી, તેને 91 બૉલમાં 123 રનની ઇનિંગ રમી હતી, તેના પરથી માની શકાય કે ધોની ફિટ છે. ધોની સારી રીતે બેટિંગ કરી શકે છે, આ વાત હુ સારી રીતે જાણુ છું. જોકે તેના પ્લાન્સ વિશે હું નથી જાણતો. ધોનીમાં હજુ ક્રિકેટ બાકી છે.



ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019ના વનડે વર્લ્ડકપની ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ બાદ ધોની ક્રિકેટના મેદાન પરથી ગાયબ થઇ ગયો છે. અવારનવાર તેના સન્યાસની અટકળો સામે આવતી રહે છે. જોકે, તાજેતરમાં જ આઇપીએલ માટે તે પ્રેક્ટિસ કરતો દેખાયો હતો.