નવી દિલ્હીઃ કોરોના વાયરસના કહેરને જોતાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મોટો ફેંસલો લીધો છે. આઈસીસીએ 2021 મહિલા વર્લ્ડકપ અને 2022 અંડર 19 વર્લ્ડકપ ક્વોલીફાઇંગ ટૂર્નામેન્ટ ટાળી દેવામાં આવી છે. આ ટુર્નામેન્ટનું આયોજન જુલાઈમાં થવાનું હતું.

મહિલા ક્વોલીફાઈંગ ટુર્નામેન્ટ શ્રીલંકામાં ત્રણથી 19 જુલાઈ સુધી યોજાવાની હતી. જેમાં યજમાન શ્રીલંકા સહિત 10 ટીમો ભાગ લેવાની હતી. અન્ય ટીમો બાંગ્લાદેશ, આયર્લેન્ડ, નેધરલેન્ડ, પાકિસ્તાન, પાપુઆ ન્યૂ ગિની, થાઈલેન્ડ, અમેરિકા, વેસ્ટ ઈન્ડિઝ અને ઝીમ્બાબ્વે હતી.

આઈસીસીએ કહ્યું, સભ્યો અને સંબંધિત સરકારો તથા સ્વાસ્થ્ય અધિકારીની સલાહ બાદ આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડકપ 2021ની ક્વોલીફાયર તથા આઈસીસી અંડર 19 ક્રિકેટ વર્લ્ડકપ 2022ની ક્વોલીફાઈંગ પ્રક્રિયાને સ્થગિત કરવાનો ફેંસલો કરવામાં આવ્યો છે.


ટીમો તથા તેના સાથે સંકળાયેલા સ્ટાફનું સ્વાસ્થ્ય હાલ અમારી પ્રાથમિકતા હોવાનું આઈસીસીએ જણાવ્યું છે.