નવી દિલ્હીઃ ભારતીય ટીમના વર્લ્ડકપ વિનિંગ ટીમના સભ્ય રહી ચૂકેલો શાંતાકુમારન શ્રીસંત ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે તે પોતાની શાનદાર બૉલિંગના કારણે ચર્ચામાં આવ્યો છે. ફાસ્ટ બૉલરે વિજય હજારે ટ્રૉફીમાં ધરાદાર બૉલિંગ કરતા પાંચ વિકેટ ઝડપીને બધાને ચોંકાવી દીધા છે. શ્રીસંતની પાંચ વિકેટની મદદથી કેરાલાની ટીમે ઉત્તરપ્રદેશ સામે શાનદાર જીત મેળવી હતી.


સોમવારે વિજય હજારે ટ્રૉફીની મેચ રમાઇ, કેએસસીએ ક્રિકેટ ગ્રાઉન્ડ પર એલિટ ગ્રુપ સીની મુકાબલામાં કેરાલા અને ઉત્તરપ્રદેશની ટીમો સામ સામે ટકરાઇ હતી, આ મેચમાં શ્રીસંતે શાનદાર બૉલિંગ કરતા 65 રનમાં 5વ વિકેટ ઝડપીને ઉત્તરપ્રદેશના હાર આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

ઉત્તરપ્રદેશે ટૉસ હારીને પહેલા બેટિંગ કરતાં 49.4 ઓવરમાં 283 રન બનાવ્યા હતા. આના જવાબમાં કેરાલાની ટીમે 7 વિકેટે 48.5 ઓવર રમીને 284 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ મેચમાં શ્રીસંતની શાનદાર બૉલિંગે સૌનુ ધ્યાન ખેંચ્યુ હતુ.

(પ્રતિકાત્મક તસવીર)

નોંધનીય છે કે, સ્પૉટ ફિક્સિંગમાં સાત વર્ષની સજા ભોગવનારા શ્રીસંતે તાજેતરમાં જ સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી દ્વારા ક્રિકેટમાં વાપસી કરી હતી. મુસ્તાક અલી ટ્રૉફીમાં શ્રીસંતને કેરાલાની ટીમમાં જગ્યા મળી હતી. શ્રીસંતે આ વર્ષે હરાજી માટે રજિસ્ટર કરાવ્યુ હતુ. પરંતુ હવે શ્રીસંતની વાપસીની આશા પર મોટો ઝટકો લાગ્યો હતો. ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝન માટે 18 ફેબ્રુઆરીએ ખેલાડીઓની હરાજી થવાની છે. આ વર્ષે હરાજી માટે 1114 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ, બીસીસીઆઇ તરફથી જાહેર કરાયેલા લિસ્ટમાં માત્ર 292 ખેલાડીઓને જ બોલી માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે. સાત વર્ષના લાંબા અંતરાલ બાદ ક્રિકેટમાં વાપસી કરનારા એસ શ્રીસંતને હરાજીમાં સામેલ નથી કરવામાં આવ્યો. જેથી હવે વર્ષ 2021ની આઇપીએલમાં શ્રીસંત નહીં રમી શકે.