મુંબઈ: ક્રિકેટના ભગવાનના નામથી જાણીતા પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) હોસ્પિટલમાં દાખલ થયા છે. તેમણે ટ્વિટ કરી જણાવ્યું કે ડૉક્ટરોની સલાહ પર તેઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. જણાવી દઈએ કે સચિન તેંડુલકર હાલમાં જ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ત્યારબાદ તેમણે પોતાને ઘરે જ ક્વોરન્ટાઈન કર્યા હતા અને જરૂરી પ્રોટોકોલ ફોલો કરી રહ્યા હત.


સચિનના જલ્દી સ્વસ્થ થવાની કામના ન માત્ર દેશ પરંતુ વિદેશોમાં રહેતા લોકો પણ કરી રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વસીમ અકરમે (Wasim Akram) સચિન માટે ખાસ સંદેશ મોકલ્યો છે.


પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે સચિનના જલ્દી સ્વસ્થ થવા માટે કામના કરતા તેની ડેબ્યૂ મેચને યાદ કરી. અકરમે લખ્યું, 'જે અંદાજમાં તમે એ 16 વર્ષની ઉંમરમાં મોટા-મોટા ધુરંધરોના છક્કા છોડાવી દિધા હતા એ જ રીતે કોવિડને પણ બાઉન્ડ્રી પાર મોકલશો અને જલ્દી સ્વસ્થ થઈ પરત ફરશો.'



સચિને ટ્વિટ કરી આપી હતી જાણકારી


સચિન તેંડુલકરે ટ્વીટ કરીને કહ્યું કે, ડોક્ટરની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થયો છું. હું ટૂંકમાં જ હોસ્પિટલમાંથી ઠીક થઈને પરત ફરીશ. તમે બધા મારા માટે પ્રાર્થના કરી રહ્યા છો તેના માટે હું તમારો બધાનો આભાર માનુ છું. નોંધનીય છે કે, સચિન તેંડુલકર 27 માર્ચે કોરોના સંક્રમિત થયા હતા.



સચિન તેંડુલકરની કેપ્ટનશિપમાં તાજેતરમાં ઇન્ડિયા લિજેન્ડ્સને વર્લ્ડ રોડ સેફ્ટી ટી 20 સિરીઝનો ખિતાબ જીત્યો હતો. 21 માર્ચે ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ રમાઈ હતી. સચિને ફાઈનલ મેચમાં 30 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકર આ ટૂર્નામેન્ટમાં ત્રીજી સૌથી વધુ રન બનાવનાર હતો. તેણે સાત મેચમાં ત્રણ અડધી સદીની મદદથી 233 રન બનાવ્યા હતા. આ સમય દરમિયાન, તેનો સ્ટ્રાઇક રેટ 139 ની આસપાસ હતો.



સચિન બાદ ત્રણ ખેલાડીઓને થયો કોરોના



સચિન તેંડુલકરે હાલમાં જ વર્લ્ડ રોડ સેફ્ટી ટી20 સીરીઝમાં ભાગ લીધો હતો. તેમને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમની સાથે સીરીઝમાં રમેલા ત્રણ પૂર્વ ક્રિકેટરોને કોરોના થયો હતો. એ તમામ હાલ ક્વોરન્ટીન છે. જેમાં યૂસૂફ પઠાણ, એસ બદ્રીનાથ અને ઈરફાન પઠાણ સામેલ છે.