નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને દુનિયાના સૌથી મહાન ક્રિકેટર સચિન તેંદુલકરની જોડી સૌથી પૉપ્યુલર છે, સચિન-સૌરવની જોડીએ ભારતીય ક્રિકેટ ટીમને કેટલાય યાદગાર રેકોર્ડ આપ્યા છે. પણ ખાસ વાત છે કે, મેદાન બહાર પણ બન્ને ક્રિકેટરો સચિન-સૌરવ ખાસ મિત્રો હતા. આ દોસ્તીની સચિને આજે એક યાદગાર તસવીર શેર કરી છે. સૌરવ સાથેની પાર્ટનરશીપને યાદ કરતા સચિન તેંદુલકરે એ તસવીરને શેર કરી છે, જ્યારે તે દાદાના ઘરે ખાવાનુ ખાવા ગયો હતો. સચિન તેંદુલકર અને સૌરવ ગાંગુલી આ તસવીરમાં સાથે બેસીને ખાવાનુ ખાતા દેખાઇ રહ્યાં છે. તસવીર શેર કરતાં સચિને લખ્યું- દાદીના ઘરે વિતાવેલી એક શાનદાર સાંજ, ખાવાની બહુ મજા લીધી, આશા રાખુ છુ કે માં સારી હશે, અને તેમને મારી શુભકામનાઓ.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાના અન્ય ક્રિકેટરો સૌરવ ગાંગુલીને દાદા કહીને બોલાવે છે, જ્યારે સચિન તેંદુલકર પ્રેમથી ગાંગુલીને દાદી કહીને બોલાવે છે. સચિન-સૌરવની પાર્ટનરશીપને આઇસીસીએ પણ તાજેતરમાં જ યાદ કરી હતી. આ બન્ને ખેલાડીનો નામે વનડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે, બન્ને જણાએ પાર્ટનર તરીકે 176 ઇનિંગમાં 47.55ની એવરેજથી 8227 રન બનાવ્યા છે.