નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની દુનિયાના ક્રિકેટ દિગ્ગજો પ્રસંશા કરી રહ્યાં છે, હવે આ લિસ્ટમાં પાડોશી દેશ પાકિસ્તાનમાથી પણ પ્રસંશાના ફૂલ વરસવા લાગ્યા છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને મહાન સ્પીનર સક્લેન મુસ્તાકે વિરાટની વિકેટને સૌથી મહત્વની ગણી છે. તેમના મતે વિરાટને આઉટ કરવો એટલે આખી ટીમને આઉટ કરવા બરાબર છે.

ઇંગ્લેન્ડનો પૂર્વ બૉલિંગ કૉચ રહી ચૂકેલા સકલેને ખુલાસો કર્યો છે કે તેને આ વાત ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા સ્પિનર મોઇન અલી અને આદિલ રશીદને સમજાવી હતી.

વર્લ્ડકપ 2019 વર્લ્ડકપ સુધી ઇંગ્લેન્ડના સ્પિન કૉચ રહી ચૂકેલા સક્લેન મુસ્તાકે નિખિલ નાઝની સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટ દરમિયાન કહ્યું કે, - કોહલી એકલો અગિયાર ખેલાડીઓની બરાબર છે, હું તેમને (મોઇન અને રશીદ)ને એમ જ કહેતો હતો કે કોહલીની વિકેટ આખી ભારતીય ટીમને આઉટ કરવા જેવી છે. તેને તે જ રીતે જોવો પડશે.



મુસ્તાકે કહ્યું કે નંબર વન ખેલાડી તરીકે તેને અહંકાર જરૂર હશે, જો તેની વિરુદ્ધ તમે એક બૉલ પણ ડૉટ નાંખશો તો તેને નહીં ગમે. આવામાં તમે તેને ફસાવીને આઉટ કરો છો તે તે વધારે દુઃખી થશે. આ મગજનો ખેલ છે, તમારે તમારુ સ્તર ઉંચુ રાખવુ પડશે.

ઉલ્લેખનીય છે કે દુસરાની શોધ કરનારા પાકિસ્તાનના દિગ્ગજ સ્પીનર સક્લેન મુસ્તાક કેટલાય દેશોનો કૉચ રહી ચૂક્યો છે. મુસ્તાકે ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને ન્યૂઝીલેન્ડ ટીમના સ્પિન સલાહકાર કે પછી બૉલિંગ કૉચ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે.