Saud Shakeel: શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે  ગાલે ક્રિકેટ સ્ટેડિયમમાં બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. પ્રથમ દિવસે 312 રનમાં ઓલઆઉટ થયા બાદ શ્રીલંકાએ બીજા દિવસે જોરદાર બોલિંગ કરી અને પાકિસ્તાનની પાંચ વિકેટ 101 રનમાં પાડી દીધી હતી, પરંતુ તે પછી સઉદ શકીલ પાકિસ્તાન માટે સંકટમોચક બની ગયો હતો અને ટીમને ફરી એકવાર મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી હતી. 



સઉદ શકીલ ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાન માટે સતત રન બનાવી રહ્યો છે. ચાહકો તેને પાકિસ્તાનનું નવું રન મશીન કહી રહ્યા છે. અત્યાર સુધી તેની ટેસ્ટ કારકિર્દીમાં સઉદ શકીલે 81થી વધુની એવરેજથી રન બનાવ્યા છે. શ્રીલંકા સામે ચાલી રહેલી ટેસ્ટમાં તે બીજા દિવસની રમતના અંતે 69 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. શકીલે 69 રનની ઈનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. અગાઉ ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પણ શકીલના બેટમાંથી રનનો વરસાદ થયો હતો. 


 




સઉદ શકીલે પાકિસ્તાન માટે અત્યાર સુધી 6 મેચમાં 81.12ની એવરેજથી 649 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી એક સદી અને 6 અડધી સદી નીકળી છે. ખાસ વાત એ છે કે સઉદે આ રન પાંચ કે તેનાથી નીચેના ઓર્ડર પર રમતા બનાવ્યા હતા.






સઉદ શકીલ અને આગા સલમાને કમાલ કરી


અડધી ટીમ 101 રનમાં આઉટ થઈ ગઈ હતી ત્યારે સઉદ શકીલ અને આગા સલમાને મોરચો સંભાળ્યો હતો.  બંનેએ રન બનાવવા પર ભાર આપ્યો અને ઓવર દીઠ લગભગ પાંચ રન બનાવ્યા. બંનેએ સાથે મળીને 148 બોલમાં 120 રનની ભાગીદારી કરી હતી. શકીલે 69 રનની ઈનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ સલમાને 61 રનની ઈનિંગમાં 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. શ્રીલંકા તરફથી પ્રભાત જયસૂર્યાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.