મુંબઇઃ આખરે રણજી ટ્રોફીની નવી સીઝન શરૂ થવા જઇ રહી છે. ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડે તમામ રાજ્ય સંઘોને જાણકારી આપી છે કે 10 ફેબ્રુઆરીએ ટુનામેન્ટની શરૂઆત થશે. બીસીસીઆઇના જણાવ્યા અનુસાર ટુનામેન્ટનું આયોજન આઇપીએલ અગાઉ  અને ત્યારબાદ બે અલગ અલગ તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ગ્રુપ સ્ટેજની મેચ રમાશે જ્યારે 30 મેથી શરૂ થનારા બીજા તબક્કામા નોકઆઉટ રાઉન્ડ રમાશે. બોર્ડે રાજ્યોને ટુનામેન્ટના ફોર્મેટ અને વેન્યૂની પણ જાણકારી આપી છે. રણજી ટ્રોફીની શરૂઆત આ વર્ષે  13 જાન્યુઆરીના રોજ રમાશે. પરંતુ દેશમાં કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરના કારણે તેને ટાળી દેવામાં આવી હતી.


2021માં કોરોના વાયરસના કારણે રણજી ટ્રોફીનું આયોજન થઇ શક્યું નથી. ટુનામેન્ટના 87 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત તેનું આયોજન થઇ શક્યું નહોતું. પરંતુ રાજ્યોની સતત વિનંતી બાદ બોર્ડે તેનો ઉકેલ કાઢ્યો છે અને ટુનામેન્ટને બે તબક્કામાં યોજવાનો નિર્ણય કર્યો છે.






બીસીસીઆઇ તરફથી રાજ્યોને શેડ્યૂલ આપવામાં આવ્યુ છે તે અનુસાર પ્રથમ તબક્કાની શરૂઆત 10 ફેબ્રુઆરીના રોજ શરૂ થશે અને તે 15 માર્ચ સુધી ચાલશે. આ દરમિયાન ગ્રુપ રાઉન્ડની મેચ રમાશે. જેમાં કુલ 34 દિવસોમાં 57 મેચ રમાશે. ત્યારબાદ માર્ચના અંતિમ સપ્તાહમાં આઇપીએલની 15મી સીઝન શરૂ થશે જે મે સુધી ચાલશે અને ત્યારબાદ બીજો તબક્કો શરૂ થશે. 30 મેથી 26 જૂન સુધી ક્વાર્ટર ફાઇનલ. સેમિફાઇનલ અને ફાઇનલ સહિત કુલ સાત મેચ રમાશે. આ રીતે 62 દિવસોમાં કુલ 64 મેચ રમાશે.


ટુનામેન્ટના ફોર્મેટ અંગે બીસીસીઆઇએ જાણકારી આપી છે. જે હેઠળ 38 ટીમોને 8 એલિટ અને એક પ્લેટ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. એલિટ ગ્રુપના તમામ ગ્રુપમાં ચાર-ચાર ટીમો છે જ્યારે પ્લેટ ગ્રુપમાં છ ટીમો રહેશે. એલિટ ગ્રુપમાં તમામ ટીમ અન્ય ટીમો વિરુદ્ધ એક-એક મેચ રમશે જ્યારે પ્લેટ ગ્રુપમાં તમામ ટીમ 3-3 મેચ રમશે. ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલની તૈયારી કરાશે. જેમાં તમામ એલિટ ગ્રુપોમાંથી ટોચની ટીમની પસંદગી થશે. જેમાંથી સાત ટીમો સીધી ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી મારશે જ્યારે આઠ ટીમોમાં સૌથી ઓછા પોઇન્ટ મેળવનારી ટીમને પ્લેટ ગ્રુપના વિજેતા સાથે પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ રમવી પડશે. ક્વાર્ટર ફાઇનલના ડ્રો પ્રી-ક્વાર્ટર ફાઇનલ પૂર્ણ થયા બાદ જાહેર કરાશે.