IND vs PAK, World Cup 2023: આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2023માં સેમિફાઇનલની રેસ ખુબ રોચક બની ગઈ છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો પહેલા જ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કુ કરી ચૂકી છે. જ્યારે બાંગ્લાદેશ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અંતિમ ચારમાં પહોંચવાની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઇ ગયા છે. બાકીની છ ટીમો ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, નેધરલેન્ડ અને અફઘાનિસ્તાન બે સ્થાનો માટે સ્પર્ધા કરી રહી છે.


શું ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે સેમિફાઇનલ ? 
ફેન્સમાં એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે, શું ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમિફાઇનલ મેચ રમાઇ શકે છે. પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું, ત્યારપછી આ સવાલે જોર પકડ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમિફાઇનલ મેચ ત્યારે જ થઈ શકે છે જ્યારે ભારત પ્રથમ અને પાકિસ્તાન ચોથા સ્થાને રહે. જો ભારત સાઉથ આફ્રિકાને હરાવશે તો તે ટોચ પર રહેશે તે નક્કી છે. જ્યારે પાકિસ્તાન ચોથા સ્થાને રહીને જ સેમિફાઇનલ માટે ક્વૉલિફાય કરી શકે છે.


સેમિફાઇનલની આશા જીવંત રાખવા માટે બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમે પહેલા ઈંગ્લેન્ડને હરાવવું પડશે. આ ઉપરાંત આપણે આશા રાખવી જોઈએ કે ન્યૂઝીલેન્ડ શ્રીલંકા સામે હારે અથવા તે મેચ ધોવાઇ જાય. આ સાથે અફઘાનિસ્તાન તેની બાકીની બે મેચ હારી ગયું. તો જ પાકિસ્તાન 10 પૉઈન્ટ સાથે ક્વૉલિફાઈ કરી શકશે.


પાકિસ્તાનનો નેટ રન રેટ હાલમાં ન્યૂઝીલેન્ડ કરતા ઓછો છે. જો ન્યૂઝીલેન્ડ શ્રીલંકાને મોટા અંતરથી હરાવશે તો પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી જશે. ઉદાહરણ તરીકે, જો ન્યૂઝીલેન્ડ શ્રીલંકા સામે 50 રનથી જીતે છે, તો પાકિસ્તાને નેટ-રન-રેટમાં ન્યૂઝીલેન્ડને પાછળ છોડવા માટે ઈંગ્લેન્ડને 180 રનથી હરાવવું પડશે. જો સમીકરણો યોગ્ય રહેશે તો, જો ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમિફાઇનલ મેચ નિર્ધારિત છે, તો તે 16 નવેમ્બરે ઈડન ગાર્ડન્સ, કોલકાતામાં રમાશે.


બાકી ટીમોના પણ સમીકરણો પર એકનજર... 
પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે રમવાનું છે. ઓસ્ટ્રેલિયાને સેમિફાઇનલમાં આસાનીથી પહોંચવા માટે બેમાંથી એક મેચ જીતવી પડશે. જો ઓસ્ટ્રેલિયન ટીમ બંને મેચ હારી જાય છે તો મામલો નેટ-રન-રેટ પર અટકી શકે છે.


• બે વખતની રનર્સ-અપ ન્યૂઝીલેન્ડે છેલ્લા ચારમાં સ્થાન મેળવવા માટે શ્રીલંકાને સારા માર્જિનથી હરાવવું પડશે. જો ન્યૂઝીલેન્ડની ટીમ શ્રીલંકા સામે મેચ હારી જશે તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના દરવાજા ખુલી જશે.


• ચાર મેચ જીતનાર અફઘાનિસ્તાન પાસે સેમિફાઇનલમાં પહોંચવાની તક છે. જો અફઘાનિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને હરાવશે તો તે સેમિફાઇનલમાં પહોંચી જશે. અફઘાનિસ્તાન 10 પૉઈન્ટ સાથે પણ ક્વૉલિફાઈ થઈ શકે છે, પરંતુ પછી મામલો નેટ-રનરેટ પર અટકી જશે.


• ભારતના હાથે શરમજનક હાર સહન કરવા છતાં શ્રીલંકા હજુ પણ ગાણિતિક રીતે છેલ્લા ચારમાં જગ્યા બનાવી શકે છે. શ્રીલંકાએ પહેલા બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામેની મેચ જીતવી પડશે. વળી, એવી અપેક્ષા રાખવી જોઈએ કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નેધરલેન્ડના પરિણામો પણ તેની તરફેણમાં આવશે.


• શ્રીલંકાની જેમ નેધરલેન્ડ પણ ગાણિતિક રીતે હજુ પણ સેમિફાઇનલમાં પહોંચી શકે છે. નેધરલેન્ડ તેની બાકીની બે મેચ જીતીને આઠ પોઈન્ટ પર પહોંચી જશે. ત્યારબાદ તેને ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા અને અફઘાનિસ્તાનની મેચો પર નજર રાખવી પડશે.