Pakistan Vs Sri Lanka: શ્રીલંકા સામે રમાઈ રહેલી બે મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનની ટીમે ઈતિહાસ રચી દીધો છે. ગાલે મેદાન પર 342 રનના લક્ષ્યને સફળતાપૂર્વક હાંસલ કરીને પાકિસ્તાને 4 વિકેટે જીત મેળવી હતી. પાકિસ્તાનની જીતનો હીરો યુવા બેટ્સમેન અબ્દુલ્લા શફીક રહ્યો હતો, જેણે 160 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે જ પાકિસ્તાને બે ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.






342 રનના ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાનની શરૂઆત ખૂબ જ સારી રહી હતી.અબ્દુલ્લા શફીક અને ઈમામ ઉલ હકની જોડીએ પ્રથમ વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી હતી. જો કે શ્રીલંકાએ 104 રનના સ્કોર પર અઝહર અલીને પેવેલિયન મોકલીને વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાબર આઝમે અબ્દુલ્લા શફીક સાથે મળીને મોરચો સંભાળ્યો હતો.


પોતાની ટેસ્ટ કરિયરની 11મી ઇનિંગ્સમાં અબ્દુલ્લા શફીકે શાનદાર બેટિંગ કરતા પોતાની બીજી સદી ફટકારી હતી. બાબર આઝમે પણ 55 રનની સારી ઇનિંગ રમીને પાકિસ્તાનની જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો.


પાકિસ્તાનની ટીમે ઈતિહાસ રચ્યો છે


શફીકે 160 રનની અણનમ ઇનિંગ રમી હતી. બાબરના આઉટ થયા બાદ રિઝવાને શફીકને સારો સાથ આપ્યો હતો. રિઝવાને 40 રનની ઇનિંગ રમી હતી. અંતે શફીકે નવાઝ સાથે મળીને પાકિસ્તાનને 6 વિકેટે જીત અપાવી હતી.


ઉલ્લેખનીય છે કે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ પ્રથમ ઇનિંગમાં  222 રન બનાવ્યા હતા. પાકિસ્તાનના બેટ્સમેનો પણ પ્રથમ ઇનિંગમાં સારું પ્રદર્શન કરી શક્યા ન હતા અને સમગ્ર ટીમ 218 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાએ જોકે બીજી ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પાકિસ્તાન સામે 342 રનનો મુશ્કેલ પડકાર મૂક્યો હતો. પરંતુ પાકિસ્તાની ટીમે ગાલે મેદાનમાં ચોથી ઇનિંગમાં સૌથી મોટો લક્ષ્યાંક હાંસલ કરીને ઇતિહાસ રચ્યો હતો.