નવી દિલ્હીઃ કોરોના મહામારીના કારણે હાલ દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે ક્રિકેટ જગતમાંથી એક ખબર આવી છે કે ભારતીય ટીમનો યુવા બૉલર શાહબાઝ નદીમ લૉકડાઉનના કારણે ફસાઇ ગયો છે.

ખાસ વાત છે કે, યુવા સ્પીનર નદીમની પત્ની સમન અખ્તર લિવરની સમસ્યાથી પીડાઇ રહી છે, અને તેની સારવાર માટે કોલકત્તા જવાનુ છે. પણ નદીમને પશ્ચિમ બંગાળ સરકારે લૉકડાઉનના કારણે રાજ્યમાં એન્ટ્રીની પરમીશન નથી આપી. લોકડાઉનના લીધે તે પોતાના સાસરે ઝારખંડના ધનબાદમાં ફસાયો છે. નદીમ અહીં 350થી વધુ ગરીબ પરિવારોને મફતમાં ખાવાનું આપી રહ્યો છે.



સમન અખ્તર છેલ્લા 4-5 મહિનાથી ફેટી લીવરની સારવાર કરાવી રહી છે. તેને અમુક ટેસ્ટ કરાવવા માટે કોલકાતા જવાનું હતું. મુજફ્ફરપુરમાં રહેનાર નદીમને પત્ની માટે ધનબાદમાં પત્ની માટે યોગ્ય મેડિકલ સુવિધા મળી રહી નથી.



નદીમે ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે, "પત્નીના એમઆરઆઈ સહિત જરૂરી ટેસ્ટ કરાવવાના છે. અહીં ધનબાદમાં તપાસ કરી પરંતુ તે સુવિધા ઉપલબ્ધ નથી. બંગાળ સરકાર સાથે મદદ માટે વાત કરી હતી, પરંતુ માત્ર નિરાશા હાથ લાગી હતી. હાલમાં જ ધનબાદ જિલ્લા પ્રશાસનની પરવાનગી લીધા પછી નદીમ કોલકાતા માટે રવાના થયો હતો પરંતુ ઝારખંડ-બંગાળની બોર્ડર પર તેને રોકવામાં આવ્યો હતો. ધનબાદ ક્રિકેટ એસોસિયેશનના પૂર્વ સચિવ અને નદીમના બાળપણના કોચ એસએચ રહેમાને કહ્યું કે, તેને બંગાળમાં એન્ટ્રી મળી નહોતી. તેણે પોલીસ ઓફિસર્સને કહ્યું કે તેની પત્નીની તબિયત સારી નથી, પરંતુ કોઈએ તેની વાતનો ભરોસો કર્યો નહોતો.

નદીમ ભારત માટે માત્ર એક ટેસ્ટ રમ્યો છે. તેણે વિરાટ કોહલી હેઠળ ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝમાં ડેબ્યુ કર્યું હતું. તેણે બંને ઇનિંગ્સમાં 104 રન આપીને 4 વિકેટ લીધી હતી. તેણે 117 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 443 વિકેટ લીધી છે.