Shahid Afridi on Virat Kohli: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ વિરાટ કોહલીના ક્રિકેટ પ્રત્યેના વલણ પર સવાલ ઉઠાવ્યા છે. આફ્રિદીનું માનવું છે કે, વિરાટ કોહલીમાં ક્રિકેટ પ્રત્યે હવે પહેલાં જેવી નિષ્ઠા હવે નથી જોવા મળતી. આફ્રિદીએ વધુમાં કહ્યું કે, વિરાટનું ફોર્મમાં પરત આવવું એ તેના પર નિર્ભર છે કે તેનું ક્રિકેટ પ્રત્યેનું વલણ કેવું છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ લાંબા સમયથી મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી. તેને સદી ફટકાર્યાને અઢી વર્ષથી વધુ સમય વીતી ગયો છે.


પાકિસ્તાની ટીવી ચેનલ સમા પર વિરાટના ફોર્મ અંગે પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતા શાહિદ આફ્રિદીએ કહ્યું કે, 'ક્રિકેટમાં વલણ (attitude) સૌથી વધુ મહત્વનું હોય છે. હું સૌથી વધુ જેની વાત કરું છું તે એ છે કે તમારું ક્રિકેટ પ્રત્યે કેટલું સમર્પણ છે? કોહલી પહેલાં તેની કારકિર્દીમાં નંબર 1 બનવા માંગતો હતો, શું તે હજી પણ એ જ લક્ષ્ય સાથે ક્રિકેટ રમે છે? આ એક મહાન પ્રશ્ન છે. તેની પાસે ક્લાસ છે પરંતુ શું તે ખરેખર ફરીથી નંબર 1 બનવા માંગે છે? કે પછી કોહલીએ એવું માની લીધું છે કે તેણે જીવનમાં બધું મેળવી લીધું છે. હવે માત્ર માત્ર ટાઈમ પાસ કરવો છે.


IPL 2022માં પણ વિરાટનું ખરાબ પ્રદર્શનઃ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત ફ્લોપ થઈ રહેલો વિરાટ કોહલી IPLની આ સિઝનમાં પણ કોઈ ચમત્કાર દેખાડી શક્યો નથી. 16 મેચોમાં તે માત્ર 22.73ની બેટિંગ એવરેજથી 341 રન બનાવી શક્યો હતો. તેનો સ્ટ્રાઈક રેટ ઘણો ખરાબ હતો. કોહલી માત્ર 116ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી શક્યો હતો. IPLની આ સિઝનમાં કોહલીએ માત્ર 2 જ અડધી સદી ફટકારી હતી.


કોહલી ગુરુવારે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થશેઃ
વિરાટ કોહલીને હાલ રમાઈ રહેલી દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સીરીઝમાંથી આરામ આપવામાં આવ્યો હતો. તે ઈંગ્લેન્ડમાં રમાનારી એક ટેસ્ટ રમવા જઈ રહેલી ભારતીય ટીમમાં છે. ભારતની આ ટેસ્ટ ટીમ ગુરુવારે (16 જૂન) રવાના થશે. આ ટેસ્ટ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 1 જુલાઈએ રમાશે. આ પછી ભારતીય ટીમ અહીં T20 અને ODI શ્રેણી પણ રમશે.