રાવલપિંડીઃ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીને લાઇમલાઇટ ખુબ ગમે છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી તે પોતાના વિવાદિત નિવેદનો અને કૉમેન્ટોને લઇને ચર્ચામાં રહ્યો છે, હવે તેને વધુ એક ચર્ચા જગાવી છે. આફ્રિદીએ એક જુની ઘટના યાદ કરતા સચિન પર નિશાન તાક્યુ છે, તેને દાવો કર્યો છે કે સચિન તેંદુલકર શોએબ અખ્તર સામે રમતા ડરતો હતો.

સ્પોર્ટ્સ પ્રેઝેન્ટર જૈનબ અબ્બાસ સાથે વાત કરતા પૂર્વ ઓલરાઉન્ડર આફ્રિદીએ દાવો કર્યો કે, સચિન તેંદુલકર એ વાતનો ક્યારેય સ્વીકાર નહીં કરે, પણ તે રાવલપિંડી એક્સપ્રેસ અખ્તરથી ડરતો હતો, અખ્તરના કેટલાક સ્પેલ્સે ભારતીય બેટ્સમેનોના મનમાં ડર પેદા કરી દીધો હતો.

આફ્રિદીએ કહ્યું કે, સચિને સ્પષ્ટ રીતે એ નથી કહ્યું કે, મને ડર લાગી રહ્યો છે, શોએબ અખ્તરના કેટલાક એવા સ્પેલ્સ હતા, જેમાં માત્ર સચિન જ નહીં પણ દુનિયાના કેટલાક સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ પણ ગભરાઇ ગયા હતા. જ્યારે તમે મીડ ઓફ કે કવરમાં ફિલ્ડિંગ કરી રહ્યાં હોવ છો ત્યારે તમે એક બેટ્સમેનની શારીરિક ભાષા સમજી શકો છો. તમે આસાનીથી સમજી શકો છો કે એક બેટ્સમેન દબાણમાં છે, તે સામાન્ય સ્થિતિમાં નથી.



આફ્રિદીએ વધુમાં કહ્યું કે હું એમ નથી કહી રહ્યો કે શોએબે સચિનને હંમેશા માટે ડરાવ્યો છે, પરંતુ કેટલીક સ્પેલ્સ એવી હતી જેમાં સચિન જેવા સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોને બેકફૂટ પર ધકેલી દીધા હતા.

ખાસ વાત એ છેકે, સચિને શોએબ અખ્તર વિરુદ્ધ 41.60ની એવરેજથી 416 રન બનાવ્યા છે. 19 વનડે મેચોમાં રાવલપિંડી એક્સપ્રેસની સરખામણીમાં ભારતીય ઓપનર બેટ્સમેનોની એવરેજ 45થી વધુની છે. અખ્તરે તેને 5 વાર આઉટ કર્યો છે, ટેસ્ટમાં, અખ્તરને 9 મેચોમાં 3 વાર સચિનની વિકેટ મળી છે.