Shakib Al Hasan: ક્રિકેટના મેદાન પર ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે, જે લાંબા ગાળા સુધી યાદ રહી જાય છે. આવો જ એક કિસ્સો ફરીથી ક્રિકેટના મેદાન પરથી સામે આવ્યો છે. ખરેખરમાં, આ ઘટના બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસન સાથે જોડાયેલી છે. શાકિબ અલ હસન ઘણા લાંબા સમયથી બાંગ્લાદેશ માટે રમી રહ્યો છે. તે અવારનવાર મેદાન પર અને મેદાનની બહાર પોતાના વર્તનને કારણે સમાચારમાં રહે છે. થોડા સમય પહેલા તે એમ્પાયર સાથે ગેરવર્તન કરતો જોવા મળ્યો હતો. એકવાર શાકિબ તેની પત્ની માટે સ્ટેન્ડમાં એક માણસને મારવા ગયો હતો. હવે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં શાકિબ તેના ખરાબ વર્તનને કારણે ફરી ચર્ચામાં આવી ગયો છે.


શાકિબ અલ હસનનું ખરાબ વર્તન 
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં શાકિબ અલ હસન ગ્રાઉન્ડ સ્ટાફ સાથે ઉભો છે. ત્યારે જાંબલી રંગની જર્સી અને બ્લૂ કેપ પહેરેલો એક ફેન શાકિબની નજીક આવે છે અને સેલ્ફી લેવાની માંગ કરે છે. સેલ્ફી લેવા માટે ફેને પોતાનો ફોન બહાર કાઢતા જ બાંગ્લાદેશી ક્રિકેટર શાકિબ અલ હસન ગુસ્સે ભરાઇ ગયો હતો. શાકિબે તમામ હદો વટાવીને સેલ્ફી લેવા આવેલા આ ફેનની ગરદન પકડી લીધી, તેની સાથે ઝપાઝપી કરી અને તેની પાસેથી ફોન પણ ઝૂંટવી લીધો હતો. જોકે, અંતે શાકિબે તેને મેદાનમાથી બહાર ભગાડી દીધો હતો. આ ઘટના બાદ ફેન નિરાશ થઈ ગયો અને ખુરશી પર બેસી ગયો હતો.






IPL 2024 માં કેમ નથી રમી રહ્યો શાકિબ અલ હસન ?
શાકિબ અલ હસન છેલ્લે 2021માં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમતા જોવા મળ્યો હતો. તે વર્ષે KKR તરફથી રમતા તેણે 8 મેચમાં માત્ર 47 રન બનાવ્યા અને માત્ર 4 વિકેટ લીધી. તે IPL 2024માં રમતા જોવા મળ્યો નથી કારણ કે તેણે હરાજી માટે પોતાનું નામ આપ્યું નથી. હરાજીમાં ભાગ ના લેવાનું કારણ આપતા શાકિબ અલ હસને કહ્યું હતું કે તે ફ્રેન્ચાઈઝી ક્રિકેટને બદલે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ માટે વધુ રમવા માંગે છે. બાંગ્લાદેશી ટીમ પ્રત્યેના સમર્પણને કારણે તેણે PSL 2024માંથી પોતાનું નામ પણ પાછું ખેંચી લીધું હતું.