મુંબઈઃ કોરોના વાયરસના કારણે દેશમાં લગાવવામાં આવેલા લોકડાઉનના પગલે લાખો પ્રવાસી મજૂરો ફસાઈ ગયા છે. જે પૈકી ઘણા પગપાળા સેંકડો કિલોમીટર ચાલીને, સાઇકલ ચલાવીને પોતાના વતન પહોંચ્યા છે. સરકારે થોડા દિવસોથી શ્રમિકોને તેમના વતન પહોંચાડવા શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચાલુ કરી છે. પરંતુ મજૂરોની સંખ્યા વધારે હોવાના કારણે મોટાભાગના લોકો લાભ નથી લઈ રહ્યા. પરંતુ  આ દરમિયાન બોલીવુડ એક્ટર સોનુ સૂદે આ પ્રવાસીઓ માટે દૂત બનીને આવ્યો છે. તેણે મજૂરોને ઘરે પહોંચાડવા માટે ખાનગી બસોની વ્યવસ્થા કરી હતી.

સોનુ સૂદ મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા પ્રવાસીઓને ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં મોકલવાની વ્યવસ્થા કરી રહ્યો છે. ટ્વિટરના માધ્યમથી પ્રવાસી તેનો સંપર્ક કરી રહ્યા છે અને સોનુ તેમને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાનો ભરોસો આપી રહ્યો છે. સોનુ સૂદની આ કામગીરીને લઈ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ તેની પ્રશંસા કરી હતી.


હવે ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર શિખર ધવને સોનુ સૂદના આ કામ માટે સેલ્યૂટ કરી છે. તેણે ટ્વિટર પર લખ્યું, ફસાયેલા મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે તમારી હીરો જેવી આ કોશિશને હું સલામ કરુ છું.

સોનુ સૂદના આ કામને જોઈ સોશિયલ મીડિયામાં લોકો તેને 'ફિલ્મી જીવનમાં વિલન અને વાસ્તવિક જીવનમાં હીરો' જેવા શબ્દોથી સંબોધન કરી રહ્યા છે.