નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને પત્ની આયશા મુખર્જીને છૂટાછેડા આપ્યા છે. આયશાએ ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વાતનો ઉલ્લેખ કર્યો છે. જેમાં આયશા મુખર્જીએ તલાક સાથે જોડાયેલી વાત લખી છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેના પર ધવનનું હજુ સુધી કોઈ સ્ટેટમેંટ આવ્યું નથી.
ઓક્ટબર 2012માં શિખર ધવને આયશા મુખર્જી સાથે શીખ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આયશાને પ્રથમ લગ્નથી બે દીકરીઓ છે. શિખર-આયશાનો એક પુત્ર પણ છે. આયશાની માતા બંગાળી છે અને પિતા ઓસ્ટ્રેલિયન છે. આયશાના પેરેન્ટ્સની મુલાકાત ભારતમાં થઈ હતી અને બાદમાં ઓસ્ટ્રેલિયા ગયા હતા. આયશાનો જન્મ ભારતમાં થયો હતો. મેલબર્નની રહેવાસી આયશા મુખર્જી લગ્નના 9 વર્ષ બાદ ધવનથી અલગ થઈ રહી છે.
આયશાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, એક વખત તલાક થઈ ચુક્યા છે. બીજી વખત બધું દાવ પર લગાવ્યું હતું. મારે ઘણું સાબિત કરવાનું હતું. તેથી જ્યારે મારા બીજા લગ્ન તૂટ્યા તે ઘણા ડરામણા હતા. હું વિચારતી હતી કે તલાક ગંદો શબ્દ છે પરંતુ મારા બે વખત છૂટાછેડા થયા છે.
ધવનની નજર હાલ ટી20 વર્લ્ડકપ માટે ટીમમાં સ્થાન બનાવવા પર છે. દિલ્હી તરફથી ઘરેલુ ક્રિકેટ રમતો ધવન હાલ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની ટીમમાં છે. શિખર ધવને 34 ટેસ્ટમાં 40.6ની સરેરાશથી 2315 રન, 145 વન ડેમાં 45.5ની સરેરાશતી 6105 રન અને 68 ટી20 ઈન્ટરનેશલમાં 126.4ના સ્ટ્રાઇક રેટથી 1759 રન બનાવ્યા છે. જ્યારે આઈપીએલની 184 મેચમાં તેણે 5577 રન બનાવ્યા છે.
શિખર ધવન પહેલા આ ભારતીય ક્રિકેટરોના થઈ ચુક્યા છે છૂટાછેડા
દિનેશ કાર્તિકઃ ટીમ ઈન્ડિયાના સીનિયર વિકેટકિપર દિનેશ કાર્તિકે બાળપણની મિત્ર નિકિતા સાથે લગ્ન કર્યા હતા. નિકિતાએ છૂટાછેડા બાદ મુરલી વિજય સાથે લગ્ન કર્યા હતા. જ્યારે કાર્તિકે દીપીક પલ્લિકલ સાથે લગ્ન કર્યા હતા.
મોહમ્મદ અઝહરુદ્દીનઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને તે સમયની જાણીતી એક્ટ્રેસ સંગીતા બિજલાણી સાથે લગ્ન કરવા પત્ની નૌરીનને તલાક આપ્યા હતા. જોકે વર્ષો બાદ અઝહરુદ્દીને સંગીતા બિજલાણીને પણ છૂટાછેડા આપી દીધા હતા.
વિનોદ કાંબલીઃ સચિન તેંડુલકરના લંગોટીયા મિત્ર વિનોદ કાંબલીએ 1998માં બાળપણની મિત્ર નોએલા લુઇસ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા વર્ષ બાદ તેણે પૂર્વ મોડલ આંદ્રે હેવિટ સાથે લગ્ન કરવા નોએલાને છૂટાછેડા આપ્યા હતા.
જવાગલ શ્રીનાથઃ ભારતીય ટીમનો પૂર્વ ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથે 2008માં જર્નાલિસ્ટ માધવી પત્રાવલી સાથે લગ્ન કરવા પત્ની જ્યોત્સનાને છૂટાછેડા આપી દીધા હતા.
યોગરાજ સિંહઃ યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે પ્રથમ પત્ની શબનમને છૂટાછેડા આપીને સતવીર કૌર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેને વિકટર નામનો પુત્ર અને અમરજીત કૌર નામની પુત્રી છે.