ઇસ્લામાબાદઃ પૂર્વ પાકિસ્તાની ઝડપી બોલર શોએબ અખ્તરે ગુરુવારે પુષ્ટી કરી હતી કે તેમના દેશમાં ક્રિકેટ સેટઅપમાં ટોચના પદ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા ચાલી રહી છે. આ પદ મુખ્ય પસંદગીકારનું છે. પીસીબીની યોજના છે કે મુખ્ય કોચ મિસબાહ ઉલ હકના ખભા પરથી મુખ્ય પસંદગીકારનો બોજ ઓછો કરવામાં આવે અને અખ્તરને આ ભૂમિકા આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.


અખ્તરે ગુરુવારે યૂટ્યુબ શો ક્રિકેટ બાજ પર કહ્યું કે હું તેની મનાઇ નહી કરું. હા મારી બોર્ડ સાથે કેટલીક ચર્ચા થઇ હતી અને હું પાકિસ્તાન ક્રિકેટમાં મોટી ભૂમિકા નિભાવવામાં રસ દાખવું છું પરંતુ હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી.

અખ્તરે કહ્યું કે, હું ખૂબ જ આરામદાયક લાઇફ જીવું છું. મેં મારી શરતો પર ક્રિકેટ રમી પરંતુ હવે લાઇફ આરામદાયક બની ગઇ છે પરંતુ હું આ આરામદાયક લાઇફ છોડવા તૈયાર છું અને પીસીબી સાથે કામ કરવા તૈયાર છું. હું બીજાની સલાહથી ડરતો નથી. જો તક મળશે તો હું સમય આપીશ.