Shubman Gill dropped: ટી-20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) માટે જાહેર થયેલી ભારતીય ટીમમાં સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ (Shubman Gill) નું નામ ન હોવાથી ક્રિકેટ જગતમાં આશ્ચર્ય ફેલાયું છે. જોકે, હવે આ મામલે એક મોટો વિવાદ સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગિલને ટીમમાંથી બહાર કરતા પહેલા ન તો કેપ્ટને, ન કોચે કે ન તો ચીફ સિલેક્ટરે તેની સાથે વાત કરી હતી. શું ગિલ સાથે છેતરપિંડી થઈ છે? જાણો શું છે અંદરની વાત.
જ્યારે બીસીસીઆઈ (BCCI) સેક્રેટરી દેવજીત સૈકિયાએ આગામી વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા (Team India) ની ઘોષણા કરી, ત્યારે તેમાં ગિલનું નામ ગાયબ હતું. ભારતની ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન ગણાતા ગિલને T20 ફોર્મેટની સૌથી મોટી ટૂર્નામેન્ટમાંથી જ બાકાત રાખવામાં આવ્યો છે. પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ નિર્ણય અંગે ગિલને અંધારામાં રાખવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
કોઈએ જાણ કરવાની તસ્દી ન લીધી?
એક અગ્રણી મીડિયા રિપોર્ટના દાવા મુજબ, બીસીસીઆઈ (BCCI) ના આંતરિક સૂત્રોએ જણાવ્યું છે કે ગિલને પડતો મુકવા અંગે કોઈ પણ પ્રકારનું કમ્યુનિકેશન કરવામાં આવ્યું ન હતું. મુખ્ય પસંદગીકાર અજિત અગરકર (Ajit Agarkar), મુખ્ય કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) કે પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) – આ ત્રણમાંથી કોઈએ પણ ગિલ સાથે વાત કરી ન હતી કે તેને ટીમમાંથી શા માટે બહાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, સૂર્યકુમાર યાદવનું ફોર્મ પણ ચિંતાજનક હોવા છતાં, વર્લ્ડ કપ સુધી તેની કેપ્ટન્સી અકબંધ રાખવામાં આવી છે.
ઈજાનું બહાનું કે પૂર્વયોજિત પ્લાન?
દક્ષિણ આફ્રિકા સામેની T20 સીરીઝ દરમિયાન ગિલને પગમાં ઈજા થઈ હતી. અહેવાલો મુજબ, ટીમ મેનેજમેન્ટ પહેલાથી જ ગિલના સ્થાને અન્ય વિકલ્પ શોધી રહ્યું હતું. સૂત્રોનું કહેવું છે કે ગિલની ઈજા એટલી ગંભીર ન હતી. મેડિકલ ટીમની તપાસ બાદ સ્પષ્ટ થયું હતું કે કોઈ ફ્રેક્ચર નથી. ખુદ શુભમન ગિલ અમદાવાદમાં રમાયેલી પાંચમી T20 મેચ રમવા માટે ઈચ્છુક અને તૈયાર હતો.
પરંતુ ટીમ મેનેજમેન્ટનો પ્લાન કંઈક અલગ જ હતો. એવું કહેવાય છે કે ગિલ ફિટ થાય તે પહેલાં જ તેને સ્ક્વોડમાંથી બહાર કરવાની યોજના ઘડી કાઢવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે ઈજા માત્ર એક કારણ બની ગયું, બાકી નિર્ણય પહેલેથી જ લેવાઈ ચૂક્યો હતો.
પ્રેસ કોન્ફરન્સમાં અગરકરનું મૌન
જ્યારે ટીમની જાહેરાત બાદ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, ત્યારે ચીફ સિલેક્ટર અજિત અગરકરને ગિલની બાદબાકી અંગે સવાલો પૂછવામાં આવ્યા હતા. જોકે, તેમણે આ અંગે કોઈ સ્પષ્ટ કે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. આ ઘટનાક્રમ સૂચવે છે કે ડ્રેસિંગ રૂમ અને મેનેજમેન્ટ વચ્ચે ક્યાંકને ક્યાંક સંવાદનો અભાવ (Communication Gap) છે.