Smriti Mandhana Century News: ભારતીય ટીમની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના અત્યારે જબરદસ્ત ફોર્મમાં છે. દક્ષિણ આફ્રિકા સામેની બીજી ODI મેચમાં સ્મૃતિ મંધાનાએ પોતાની ODI કારકિર્દીની સાતમી સદી ફટકારી હતી. આ બંને ટીમો વચ્ચે રમાયેલી પ્રથમ વનડે મેચમાં સ્મૃતિ મંધાનાએ 100થી વધુ રન બનાવ્યા હતા. આ સીરીઝમાં સ્મૃતિ મંધાના સતત બીજી વખત 100થી વધુ રનની ઇનિંગ રમવામાં સફળ રહી છે. કોહલીના ગઢ એટલે કે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મંધાનાનું બેટ ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે.


સ્મૃતિ મંધાનાએ બીજી વનડેમાં દક્ષિણ આફ્રિકા સામે બેટિંગ કરતાં ધમાકેદાર ઇનિંગ રમી હતી, સ્મૃતિ મંધાનાએ 120 બૉલમાં 18 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 136 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, સ્મૃતિ મંધાનાની આ સળંગ બીજી સદી હતી.


બેટિંગમાં સ્મૃતિ મંધાનાનો ધમાકો 
આ સ્મૃતિ મંધાનાની 7મી ODI સદી હતી. મિતાલીએ પણ 7 જ સદી ફટકારી છે. સૌથી વધુ 15 સદીનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગના નામે છે. તેના સિવાય ન્યૂઝીલેન્ડની સુઝી બેટ્સે 13 સદી ફટકારી છે. આ બે ખેલાડીઓ સિવાય કોઈએ 10થી વધુ સદી ફટકારી નથી. સ્મૃતિ 27 વર્ષની છે. આવી સ્થિતિમાં તે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી શકે છે.


મિતાલી રાજ સહિત આ 5 ખેલાડીઓની કરી બરાબરી
સ્મૃતિ મંધાના અને મિતાલી રાજ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝની સ્ટેફની ટેલર, ન્યૂઝીલેન્ડની એમી સેટરથવેટ, ઈંગ્લેન્ડની સારાહ ટેલર અને દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ડે 7-7 સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાની કેરેન રોલ્ટન, ન્યૂઝીલેન્ડની સ્ટેફની ડેવિન અને ઈંગ્લેન્ડની ક્લેર ટેલરે 8-8 સદી ફટકારી છે. ઇંગ્લેન્ડની ચાર્લોટ એડવર્ડ્સ, ટેમી બ્યુમાઉન્ટ, નેટ સ્કીવર બ્રન્ટ અને શ્રીલંકાની ચમારી અટાપટ્ટુએ 9-9 સદી ફટકારી છે.


સ્મૃતિ મંધાનાનો રહ્યો છે દબદબો 
2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા બાદ તે સતત ભારતીય ટીમમાં રહી છે. સ્મૃતિ મંધાનાની ગણતરી ભારતીય ટીમની સૌથી અનુભવી ખેલાડીઓમાં થાય છે. ભારત ઉપરાંત તે ઓસ્ટ્રેલિયા પણ જાય છે અને મહિલા બિગ બેશ લીગમાં ભાગ લે છે. આ સિવાય તે મહિલા IPLમાં પણ RCBની કેપ્ટનશીપ કરતી જોવા મળી છે.


આવી રહી સ્મૃતિ મંધાનાની કેરિયર 
ડાબોડી બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ પોતાની કારકિર્દીમાં ઓફ સાઈડ પર ઘણા આકર્ષક શોટ્સ ફટકાર્યા છે. અત્યાર સુધી રમાયેલી 84 ODI મેચોમાં મંધાનાએ 43.62ની એવરેજ અને 83.74ની સ્ટ્રાઈક રેટથી 3460 રન બનાવ્યા છે. 133 T-20 મેચોમાં તેણે 121.28ના સ્ટ્રાઈક રેટથી 3220 રન બનાવ્યા છે. સ્મૃતિ મંધાનાએ પણ સાઉથ આફ્રિકા સામે સતત સદી ફટકારીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.


મિતાલી રાજની પણ કરી લીધી બરાબરી 
સ્મૃતિ મંધાનાએ ભારતીય મહિલા ટીમ માટે વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે પૂર્વ કેપ્ટન મિતાલી રાજની બરાબરી કરી લીધી છે. મિતાલી રાજે પોતાની ODI કારકિર્દી દરમિયાન કુલ સાત સદી ફટકારી હતી. જ્યારે સ્મૃતિ મંધાનાએ કારકિર્દીની સાતમી સદી ફટકારી છે. તે આવનારી મેચોમાં મિતાલી રાજને પાછળ છોડી શકે છે.


બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન


ભારતીય મહિલા પ્લેઇંગ ઇલેવન: - શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, દયાલન હેમલતા, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમીમા રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, અરુંધતી રેડ્ડી, આશા શોભના.


દક્ષિણ આફ્રિકા મહિલા પ્લેઇંગ ઇલેવન: - લૌરા વોલ્વાર્ડ (કેપ્ટન), તાજમીન બ્રિટ્સ, એનેકે બોશ, સુને લુસ, મેરિઝાન કેપ, નાદીન ડી ક્લાર્ક, નોન્ડુમિસો શાંગાસે, મીકે ડી રીડર (વિકેટકીપર), મસાબાતા ક્લાસ, નોનકુલુલેકો મ્લાબા, આયાબોંગા ખાકા.