નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ સામે વનડે સીરીઝ બાદ હવે પ્રથમ ટેસ્ટ મેચમાં પણ ફ્લૉપ રહેલા કેપ્ટન કોહલીને ફેન્સના ગુસ્સોનો સામનો કરવો પડ્યો છે. સોશ્યલ મીડિયા પર કોહલીની બેટિંગને લઇને ફેન્સે અવનવા મીમ્સ બનાવીને મજાક ઉડાવવાનુ શરૂ કરી દીધુ છે. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી માત્ર 2 રન બનાવીને કાઇલી જેમિસનની બૉલિંગમાં રૉસ ટેલરને કેચ આપી બેઠો હતો. આ બાદ ફેન્સે કોહલીને ટ્રૉલ કરવાનુ શરૂ કર્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે બે મેચોની ટેસ્ટ સીરીઝમા આજે પ્રથમ ટેસ્ટ મેચ વેલિંગ્ટનમાં રમાઇ રહી છે. કેન વિલિયમસને ટૉસ જીતી પહેલા બૉલિંગ પસંદ કરી હતી, અને ભારતીય ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. જોકે, બેટિંગમાં ભારતીય ટીમ ફરી એકવાર ફ્લૉપ સાબિત થઇ હતી.
ભારત તરફથી પૃથ્વી શૉ 16 રન, ચેતેશ્વર પુજારા 11 રન, વિરાટ કોહલી 2 રન, મયંક અગ્રવાલ 34 રન અને હનુમા વિહારી માત્ર 7 રન જ બનાવી શક્યા હતા.