નવી દિલ્હીઃ કોરોના સંકટની વચ્ચે દેશની સૌથી લોકપ્રિય ક્રિકેટ ટૂર્નામેન્ટ IPLને લઇને બીસીસીઆઇ અધ્યક્ષ ગાંગુલીએ એક મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. ગાંગુલીના મતે આ વખતે આઇપીએલ રમાડવી મુશ્કેલ છે, ક્રિકેટ ફેન્સને ગાંગુલીએ આ વખતે ટૂર્નામેન્ટ ભૂલી જવાની વાત કહી છે.

ઉલ્લેખનીય છે કે, આઇપીએલ 2020ની સિઝનને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી, આ પહેલા આઇપીએલ 29 માર્ચથી શરૂ થવાની હતી, જોકે, કોરોનાના કહેરને લઇને હવે આઇપીએલ દેશમાં રમાડવી મુશ્કેલ બની ગઇ છે.



સૌરવ ગાંગુલીએ એક અંગ્રેજી મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હાલની જે પરિસ્થિતિ છે, તે પ્રમાણે IPLનુ આયોજન કરવુ મુશ્કેલ છે. અમે સ્થિતિ પર નજર રાખીએ છીએ, પણ હાલના સમયે અમે કંઇજ નથી કહી શકતા.

ગાંગુલીએ કહ્યું એરપોર્ટ બંધ છે, લોકો ઘરોમાં બંધ છે, ઓફિસો બંધ છે, કોઇપણ ક્યાંય નથી જઇ શકતુ, અને હજુ પણ એવુ જ લાગી રહ્યુ છે કે મેના મધ્ય સુધી આવુ જ ચાલશે.



ગાંગુલીએ કહ્યું હાલ આખી દુનિયામાં બધુ બંધ છે તો ખેલાડીઓ કેવી રીતે આવશે, જો ખેલાડીઓ ના આવે તો પછી ટૂર્નામેન્ટનુ આયોજન કેવી રીતે સંભવ બની શકશે. ગાંગુલીએ કહ્યું કે, હાલ દુનિયાનો માહોલ જોઇને રમત જગતમાં કંઇપણ ઠીક નથી, આઇપીએલ તો ભુલી જ જાઓ.