T20 World Cup 2024: ટી-20 વર્લ્ડકપ 2024 ની પ્રથમ સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. આ મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.  વર્લ્ડકપની સેમિફાઈનલ મેચમાં અફઘાનિસ્તાનની ટીમ માત્ર 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે માત્ર 57 રનનો ટાર્ગેટ મળ્યો છે.


મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ સાઉથ આફ્રિકાના બોલરો સામે 11.5 ઓવરમાં 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દરમિયાન આફ્રિકા તરફથી માર્કો જાનસેન અને તબરેઝ શમ્સીએ સૌથી વધુ 3-3 વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાન તરફથી અઝમતુલ્લા ઓમરઝાઈએ ​​સૌથી વધુ 10 રન બનાવ્યા હતા.


ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જે તેના માટે બિલકુલ યોગ્ય સાબિત ન થયો.


આ રીતે અફઘાનિસ્તાનની આખી ઇનિંગ્સ રહી હતી


પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનને પહેલી ઓવરના છેલ્લા બોલ પર સ્ટાર ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝના રૂપમાં પહેલો ફટકો લાગ્યો હતો, જે ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર ટીમે બીજી વિકેટ ગુલબદ્દીન નાયબના રૂપમાં ગુમાવી જે 8 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.


ત્યારબાદ અફઘાનિસ્તાને ચોથી ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આફ્રિકા માટે ઇનિંગની ચોથી ઓવર કરવા આવેલા કગીસા રબાડાએ પહેલા બોલ પર ઇબ્રાહિદ ઝદરાન (02)ને અને પછી ચોથા બોલ પર મોહમ્મદ નબી (00)ને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ ટીમને પાંચમી ઓવરના છેલ્લા બોલ પર નાંગેયાલિયા ખરોટે (00)ના રૂપમાં પાંચમો ફટકો લાગ્યો હતો.


આ પછી ટીમે સાતમી ઓવરના ત્રીજા બોલ પર અઝમતુલ્લા ઉમરઝાઈના રૂપમાં છઠ્ઠી વિકેટ ગુમાવી જેણે 12 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 10 રન બનાવ્યા હતા. આ પછી એ જ ઓવરના 5માં બોલ પર નૂર અહેમદ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ સારા ફોર્મમાં દેખાઈ રહેલો કેપ્ટન રાશિદ ખાન 11મી ઓવરના બીજા બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. રાશિદે 8 બોલમાં 2 ફોરની મદદથી 8 રન બનાવ્યા હતા. આ પછી ટીમે નવીન ઉલ હકના રૂપમાં છેલ્લી એટલે કે 10મી વિકેટ ગુમાવી, જે 8 બોલમાં માત્ર 2 રન બનાવી શક્યો હતો.


દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો જાનસેન અને તબરેઝ શમ્સીએ સૌથી વધુ 3-3 વિકેટ લીધી હતી. આ દરમિયાન યાનસેને 3 ઓવરમાં 16 રન અને શમ્સીએ 1.5 ઓવરમાં માત્ર 6 રન જ આપ્યા હતા. આ સિવાય કગિસો રબાડા અને એનરિક નોર્ખિયાએ 2-2 વિકેટ લીધી હતી.